ડીડીઓ, ડીપીઇઓ ફોન કરશે ને તપાસ કર્તાના લોકેશન ની જાણકારી મેળવવામાં આવશે
દાહોદ: દાહોદ જીલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રોજે રોજ નવા પરિપત્ર બહાર પાડવામાં આવે છે. શાળાઓમાં બાળકો અને શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રીક સીસ્ટમ દરેક શાળાઓમાં લગાવી દેવામાં આવી છે. બીજી તરફ હવે શિક્ષણની નિયમિતતા અને ગુણવત્તાની જવાબદારી જેમના માથે છે તેવા મોનીટરીંગ સ્ટાફને જીલ્લા વિકાસ અધિકારીના મોબાઇલ ફોનના રડાર પર મુકવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. દાહોદ જીલ્લા પંચાયત હસ્તકની જીલ્લામાં 1609 જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં 10,000 કરતા વધારે શિક્ષકો ફરજ બજાવે છે તેમજ મોટી સંખ્યામા બાળકો 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે. આવા બાળકોને શિષ્યવૃત્તિ તેમજ બપોરના ભોજનની સવલતો પણ આપવામાં આવે છે. જેથી બાળકોની સાચી સંખ્યા અને સાચી હાજરી જાણી શકાય તેના માટે દરેક શાળામાં બાયોમેટ્રીક સીસ્ટમ લગાવી દેવામાં આવી છે.
જેથી બાળકની હાજરી કે ગેરહાજરી આપો આપ જ જાણી શકાય છે. તેવી જ રીતે ગુરુજીઓ પણ નિયમિત રીતે તેમની ફરજ પર હાજર છે કે નહી તે પણ બાયોમેટ્રીક સીસ્ટમથી ખબર પડી જાય છે. આ વ્યવસ્થાની સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક સમય પત્રક બનાવ્યુ છે. તે પ્રમાણે સીઆરસી, બીઆરસી, બીટ નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પૈકી કોઇ પણ એક તેમના તાબાની એક શાળાની દરરોજ મુલાકાત લઇ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરે. તે પ્રમાણે કામગીરી કરવામાં આવે તો એક જ શાળાની ચકાસણી દર માસે બે વખત થઇ શકે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.
ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થયો કે તપાસણી કરનાર જવાબદાર પણ જે તે શાળામાં ગયા છે કે કેમ તેની તપાસ પણ એટલી જ જરૂરી છે. જેથી સીઆરસી, બીઆરસી, બીટ નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને હવે સીયુજી નંબર વાળા મોબાઇલ ફોન આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મોબાઇલ ફોનમાં જીપીઆરએસ સીસ્ટમ પણ ફીટ કરેલી હશે. જેથી જીલ્લા વિકાસ અધિકારી કે શિક્ષણાધિકારી જ્યારે જે તે તપાસ કરનારને ફોન કરે ત્યારે તેનુ લોકેશન આપોઆપ જ જાણી શકાશે અને તેના આધારે તે તેમના સમય પત્રક પ્રમાણે તપાસણી કરે છે કે કેમ ઉચ્ચ અધિકારીઓને ક્રોસ ચેકીંગ કરતા તેની જાણ થઇ જશે.
સીસ્ટમ કેવી રીતે કામ કરશે
શિક્ષણ વિભાગના મોનીટરીંગ સ્ટાફને જીપીઆરએસ સીસ્ટમ વાળા મોબાઇલ ફોન આપવામાં આવશે. તેમની તપાસણીનુ સમય પત્રક પહેલેથી નક્કી જ હશે. જેથી જે તે દિવસે ડીડીઓ કે ડીપીઇઓ જે તે કર્મચારીને મોબાઇલ પર ફોન કરશે ત્યારે તે સમયે ક્યાં છે તેનુ લોકેશન અધિકારીઓના મોબાઇલમાં જણાઇ આવશે. આમ ગુલ્લી મારવાનો કોઇ પ્રયત્ન કરશે કે ફરજમાં ગાફેલ રહેશે તો તુરત જ ઝડપાઇ જશે.
ટુંકમાં જ અમલ શરૂ થશે
કામગીરી જાણવા માટે સીયુજી નંબર આપવાના છે.જીપીઆરએસ સીસ્ટમથી તપાસ અંગેનો કારણ જાણી શકાશે. જો આ મામલે િસસ્ટમ દ્વારા ખોટુ સ્થળ બતાવવામાં આવે તો તેની ભુલ પ્રમાણેની સજા કરવામાં આવશે. થોડા સમયમાં જ આનો અમલ શરૂ થશે. આરડીવણકર, ડીપીઇઓ સાથે