Sep 19, 2014

KUTCH MA VADHU 6 SIXAKO SUSPEND.

કચ્છ: વધુ છ ગુટલીબાજ શિક્ષક સસ્પેન્ડ
ભુજ: સરહદી જિલ્લા કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં રપ૦૦ ઉપરાંત શિક્ષકોની ભારે ઘટ વર્તાઈ રહી છે, તેની વચ્ચે જે વિદ્યાસહાયકોને કચ્છમાં વિદ્યાસહાયકો તરીકે નિમણૂક મળે છે તેવા વિદ્યાસહાયકો ફરજ પર સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો બાદ શિક્ષણ તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું હોય તેમ ભુજ તથા મુન્દ્રા તાલુકાના પાંચ વિદ્યાસહાયકોને કાયમ માટે ઘરભેગા કરવાનો આદેશ કર્યા બાદ આજે વધુ છ શિક્ષકોને સસ્પેન્ડ કરવાના આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કચ્છમાં લાંબા સમયથી વિદ્યાસહાયકો શાળાએ જતાં ન હોવાની ફરિયાદો તેમના સમક્ષ આવતાં તે અંગે પ્રાથમિક શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન રાપર તાલુકાની દોરાથાણા પ્રાથમિક શાળામાં ર૧-૧-ર૦૧૪થી ગેરહાજર રહેલા શિક્ષક સોલંકી ચિરાગ રશીદભાઈ, રાપર તાલુકાની સબરાવાંઢમાં તા. ર-૪-ર૦૦૭થી ગેરહાજર રહેલી શિક્ષિકા હિનાબેન ગોરધનભાઈ પટેલ, અબડાસા તાલુકાના નલિયા તાલુકા શાળામાં ફરજ બજાવતા તા. ૧પ-૭-ર૦૦૯થી ગેરહાજર રહેલા શિક્ષક સચિનગિરિ આર. ગૌસ્વામી, તેરા કુમાર શાળાના શિક્ષક તા. ૩૦-૧-ર૦૧૪થી ગેરહાજર રહેલા હિરેન વી. ચૌહાણ, તાલુકાના સોઢા કેમ્પ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક તા. ૧૦-ર-ર૦૧૪થી ગેરહાજર રહેલા વિકાસભાઈ જગુભાઈ ચૌધરી તથા અબડાસા તાલુકાના વડસરા પ્રાથમિક શાળાના શિક્ષક તા. ૩૦-૪-ર૦૧૪થી હરણેશા દર્શનાબેન વી.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું સોલંકીએ જણાવ્યું હતું. આ શિક્ષકો લાંબા સમયથી તંત્રને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય ફરજ પર ગેરહાજર રહેતાં તેમની સામે નિયમોનુસાર સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સોલંકીએ ઉમેર્યું હતું કે, જિલ્લાભરની પ્રાથમિક શાળાઓમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જે વિદ્યાસહાયક કે શિક્ષક તંત્રને જાણ કર્યા સિવાય લાંબાસમયથી ગેરહાજર રહેશે તો તેમને કાયમી ધોરણે ઘરભેગા કરવામાં આવશે.