Oct 28, 2014

હિન્દુ-મુસ્લિમની આવી એકતા કદાચ બીજા કોઇ ગામમા જોવા નહીં મળે ખૂબ જ રસપ્રદ માહિતી




gujarat map
મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામનું નામ રામાયણ અને મહાભારત હોય તે કદાચ માનવામાં આવે નહીં પણ આ સત્ય હકીકત છે. ૧૦૮૮માં ગુહાઇ જળાશય યોજના નિર્માણ થતાં છ ગામો ડૂબમાં ગયાં ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતોમાં લોકો વસ્યાં જેને રામાયણ અને મહાભારત નામ અપાયું. આ બંન્નો ગામો જાણે કોમી એકતાની એવી મિસાલ બની રહ્યાં છેકે, કયારેય મુસ્લિમ બહુમતી હોવા છતાંયે રામાયણ કે મહાભારત નામ બદવાનો પ્રયાસ કરાયો નથી બલ્કે આ નામ પ્રત્યે ખુદ મુસ્લિમો ગર્વ સાથે કહી રહ્યાં છેકે, રામાયણ અને મહાભારત એ અમારી આગવી ઓળખ બની ચૂક્યાં છે. આ ગામોની વિશેષતા એછેકે, હિન્દુ મતદારો જ મુસ્લિમ સરપંચને ચૂંટી કાઢે છે અને ગ્રામ પંચાયતનો વહીવટ સોંપે છે.

રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે. ગ્રામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી. ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ. આજેય રામાયણના બોર્ડ સાથે એસટી બસ આ ગામમાં રોજ અવરજવર કરે છે. લોકો રામાયણ અને મહાભારતના નામે જ પત્ર વ્યવહાર પણ કરે છે. જોકે, આ બંન્ને ગામની પંચાયત તો પ્રતાપગઢના નામે છે.

સરપંચ જાકીરભાઇ મનસુરીનું કહેવું છેકે, અમારી ગામમાં એવી કોમી એકતા છેકે, ૧૫૧ કુંડીનો મહાયજ્ઞા હોય કે પૌરાણિક મહાકાળીના મંદિરમાં દશેરા સહિતની પૂજા હોય, મુસ્લિમ બિરાદરો દુધ-પાણી સહિતની સુવિધાની વ્યવસ્થા કરે છે. મેળો હોય તો પાર્કિગ સહિતના કામગીરીમાં સેવા આપે છે. હિન્દુ કે મુસ્લિમના ધર્મગુરૃનું ગામમાં આગમન થયું હોય તો બંન્ને કોમના લોકો અચૂક જઇને સ્વાગત કરે છે. ગામમાં કોઇપણ વિવાદ થાય ગ્રામજનો ભેગા મળીને પોલીસ કેસ ન થાય તે રીતે ઉકેલ લાવે છે. મુસ્લિમો કહે છેકે, રામાયણ - મહાભારત નામ હોય તો વાંધો શું છે. આ નામોએ અમારી એવી ઓળખ ઉભી કરી છેકે, આખાયે સાબરકાંઠામાં આટલું નામ લો તો તમે અહીં પહોંચી જાવ.
ગ્રામજનો વિજળી વેરો, સફાઇ વેરો, પાણી વેરો સહિતના તમામ વેરા નિયમિત રીતે ભરે છે. ગામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાણી સમિતી બનાવાઇ છે. આ જ પ્રમાણે સ્કુલ મોનિરટીંગ સમિતી પણ બનાવાઇ છે જે શાળામાં કેવું બાળકોને શિક્ષણ અપાય છે તેનુ ધ્યાન રાખે છે. મોટાભાગના મુસ્લિમ પરિવારો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાં છે. દુધ મંડળીમાં રોજ ત્રણ હજાર લિટર દૂધ ભરાવાય છે. જોકે, ગામમાં રોડની સમસ્યા છે કેમકે, મહાકાળી મંદિરમાં મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે પણ ઘણી રજૂઆતો છતાંયે રોડ વસાહત બન્યાંના આટલા વર્ષો બાદ પણ બની શક્યો નથી.આમ, આ ગામ ખરા અર્થમાં કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યું છે.