Nov 6, 2014

Sardar Patel Motera Cricket Stadium -9 મહિનામાં બન્યું'તું 50 એકરમાં ફેલાયેલું મોટેરા,યાદગાર ક્ષણોનું છે સાક્ષી


અમદાવાદ  : ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન-ડે અમદાવાદના સરદાર પટેલ, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. 6 નવેમ્બરને ગુરુવારનો રોજ રમાનાર બીજી વન-ડે માટે આ સ્ટેડિયમ સજ્જ બની ગયું છે. મોટેરા સ્ટેડિયમ તેની સિદ્ધીઓ માટે જાણીતુ છે. શ્રીલંકાના ક્રિકેટરોએ મંગળવારે પ્રેક્ટિસ કરી હતી. બુધવારે ભારતના ક્રિકેટરો પ્રેક્ટિસ કરશે. સુનીલ ગાવસ્કરના 10 હજાર રન પુરા કરવાની વાત હોય કે, કપિલ દેવનો 432 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ હોય કે સચિનની પ્રથમ બેવડી સદી હોય. મોટેરા સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટરોએ ઘણા માઈલસ્ટોન નોંધાવ્યા છે. આ સ્ટેડિયમ 50 એકરમાં ફેલાયેલું છે અને નવાઈની વાત એ છે કે ફક્ત નવ જ મહિનામાં સ્ટેડિયમ તૈયાર થઈ ગયું હતું.
કોના ઉપરથી પડ્યું સ્ટેડિયમનું નામ
ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર મોટેરામા આવેલા આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં કુલ 49 હજાર દર્શકો સમાઈ શકે તેટલી ક્ષમતા છે. સ્ટેડિયમમાં કુલ 6 સ્ટેન્ડ છે, જેમાં જીએમડીસી અપર એન્ડ લોઅર સ્ટેન્ડ, ઇસ્ટ અપર એન્ડ લોઅર સ્ટેન્ડ, અદાણી લોઅર પેવેલિયન, અદાણી અપર પેવેલિયન, ક્લબ પેવેલિયન અને વેસ્ટ પેવેલિયનનો સમાવેશ થાય છે.
ભારત-શ્રીલંકાનો એક-એક મેચમાં વિજય
મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે 2 વન-ડે મેચ રમાઈ છે અને બન્ને ટીમનો 1-1 મેચમાં વિજય થયો છે. આમ મોટેરામાં બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું છે. બન્ને છેલ્લે 2005માં ટકરાયા હતા. જેમાં શ્રીલંકાનો વિજય થયો હતો.
ભારત મોટેરામાં કુલ 15 વન-ડે મેચ રમ્યું છે, જેમાં 6 મેચમા વિજય થયો છે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે 2011માં ટક્કર થઈ હતી જેમાં ભારતનો 16 રને પરાજય થયો હતો.
નવેમ્બર 1983ના રોજ રમાઈ પ્રથમ મેચ
મોટેરા સ્ટેડિયમ 1982ના રોજ તૈયાર થઈ ગયું હતું. આર્કિટેક શશી પ્રભુ હતો. આજથી 31 વર્ષ પહેલા પહેલા 12-16 નવેમ્બર 1983ના રોજ સરદાર પટેલ, મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાઈ હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતનો 138 રને પરાજય થયો હતો.
1984માં રમાઈ પ્રથમ વન-ડે
5 ઓક્ટોબર 1984ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્રથમ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં પણ ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો.
ટેસ્ટ રેકોર્ડ
હાઈએસ્ટ સ્કોર (ટેસ્ટ) - શ્રીલંકા - 760/7 ડિકલેર. હરિફ - ભારત વર્ષ - 2009
લોએસ્ટ સ્કોર (ટેસ્ટ) - ભારત - 76 હરિફ - દક્ષિણ આફ્રિકા વર્ષ - 2008
હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર - મહેલા જયવર્દને - 275 રન હરિફ -ભારત વર્ષ - 2009
સૌથી વધારે રન - રાહુલ દ્રવિડ - 771 રન સૌથી વધારે વિકેટો - અનિલ કુબંલે - 36
મોટેરામાં માઇલસ્ટોન
સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરામાં ભારતીય ક્રિકેટરોએ વ્યક્તિગત ઘણી સિદ્ધીઓ નોંધાવી જે આ પ્રમાણે છે.
- ભારતના લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પુરા કરવાનો માઈલસ્ટોન મોટેરા સ્ટેડિયમ ખાતે નોંધાવ્યો હતો. 1986-87માં પાકિસ્તાન સામે આ સિદ્ધી મેળી હતી.
- કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટો (432)ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલના 431 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. તે સમયે ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટનો આ રેકોર્ડ હતો.
- સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી મોટેરામાં ફટકારી હતી. ઓક્ટોબર 1999માં ન્યૂઝીલેન્ડ સામે આ સિદ્ધી મેળવી હતી.
- સચિને 16 નવેમ્બર 2009ના રોજ મોટેરા ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પુરા કર્યા હતા. 18,000 રન અને 30,000 રન પુરા કરવાની સિદ્ધી પણ સચિને મેળવી હતી.