Nov 30, 2014

ડાંગ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિસ્તબદ્ધ ચાલતો ભ્રષ્ટાચાર!

  •  

     

     

     

     

    ડાંગ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિસ્તબદ્ધ ચાલતો ભ્રષ્ટાચાર!

  • શિક્ષકો કલાર્કની કામગીરીમાં મશગુલ, બાળકો પુરતા શિક્ષણથી વંચિત

  • શિક્ષકોએ બીલ મંજુર કરવા માટે રૃ. ૧૦,૦૦૦નો ભોગ ધરાવવો પડે છે

  •  મોંઘવારી ભથ્થાબીલનાં શિક્ષક દીઠ રૃ. ૪૦, આઇ.ટી. ફોર્મનાં રૃ. ૨૫૦

 

ડાંગ જિલ્લામાં અનેક જાતના ભ્રષ્ટાચાર ચાલ્યા જ કરે છે. એટલે ડાંગની પ્રજાના ભાગ્યમાંથી આ ભ્રષ્ટાચારનું ભૂત કયારે પીછો છોડશે એ તો રામ જ જાણે. બાળકોના ભણતર કાચા ન રહી જાય તેથી સરકાર ગુણોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમો કરે છે પરંતુ જયાં વાડ જ ચીભડા ગળે છે ત્યારે શું થાય?

વાત છે, પ્રાથમિક શિક્ષકોની કે જેમને પગાર મળે છે. ભણાવવાનો પણ દરેક કેન્દ્રના એક એક શિક્ષક ફકત બાકીના શિક્ષકોના હિસાબી કામોમાં જ અટવાયેલો રહે છે. હિસાબી કામ કરતા શિક્ષકોને પગારબીલ બનાવવાનાં, મોંઘવારી તફાવતના બીલો બનાવવાના, કોઇના ઇન્ક્રીમેન્ટ વધારો હોય, કોઇના જી.પી. ફંડના નાણાં ઉપાડવાના હોય, કોઇના ઉચ્ચત્તર પગાર ધોરણનો તફાવત ચૂકવવાનો હોય, ઇન્કમટેક્ષની વિગતો ભરવા જેવા અનેક હિસાબી કામો આ શિક્ષકો કરે છે.

વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે. આ કામગીરી કરવાના કાયદેસર પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જેથી આવા શિક્ષકોની કામગીરીમાં કોઇ દખલ ન કરે. આ હિસાબી કામગીરી કરનાર શિક્ષકોના હિસાબ માંગો કે કેટલા વર્ષોથી આ આદિવાસી બાળકોને નથી ભણાવ્યું? કેટલા દિવસ બાળકોને ભણાવ્યું? કેટલા દિવસ બાળકોને ભણાવ્યું? ખરેખર તો આવા શિક્ષકો એક જાતના દલાલ બનીને સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવે છે. બીજું આવા શિક્ષકોને પણ આ કામ કરવાની મજા આવે છે.

બિચારા શિક્ષકોએ પોતાના હકના નાણાં લેવા કેન્દ્રના હિસાબી કામ સંભાળતા શિક્ષકને કેટલા પૈસા ચૂકવવા પડે છે જાણો છો? એક શિક્ષકે નામ ન આપવાની શરતે પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું છે કે, હમણાં જ મોંઘવારી ભથ્થા બીલનાં એક શિક્ષકના રૃ।. ૪૦ લેખે ઉઘરાવવામાં આવ્યા છે. આવું તો કેટલીયે વાર વર્ષભર ચાલે છે. એની પણ ઉંડા ઉતરી તપાસ કરી તો ગામડાના એક શિક્ષક દ્વારા જાણવા મળ્યું કે, મારા પગાર વધારાના બીલ માટે તાલુકામાં રૃ।. ૧૦,૦૦૦ જેટલા આપવા પડે તો જ બીલ પાસ થાય. ઇન્કમટેક્ષના તો તૈયાર પ્રોગ્રામ દ્વારા કોઇપણ વ્યક્તિ પોતે પણ સરળ રીતે ઇન્કમટેક્ષનું રીટર્ન ફાઇલ કરી શકે છે. છતાં પણ માસ્તરોને એક શિક્ષક દીઠ રૃ।. ૨૫૦ જેટલા ચૂકવવા પડે છે અને હજારો શિક્ષકોના લાખો રૃપિયા જેવી માતબર રકમ થાય છે. શું જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિને આ નહીં ખબર હોય? શિક્ષકો કચવાતા મને આવા પૈસા ચૂકવે છે. આખા રાજયમાં આવા તૈયાર પ્રોગ્રામ દ્વારા મફતમાં કામ થઇ જાય છતાં શિક્ષકોએ આવા હિસાબી કામ કરતા દલાલ શિક્ષકોને ભોગ ધરાવવો જ પડે. આવા શિક્ષકોની યાદી મંગાવી કાયદેસરની તપાસ થાય તો જ સાચી માહિતી બહાર આવશે.

એક બાજુ શિક્ષકોની ઘટ હોય અને બીજી બાજુ હિસાબી કામ કરતા શિક્ષકનો વટ હોય. શિક્ષકોને પગારબીલ બનાવવા, બીજા બીલો બનાવવા તો ડાંગના ગરીબોને ક્યારે ભણાવશો? પછી સરકારે બસ કાયમ ગુણોત્સવ જેવા કાર્યક્રમો જ કરવાના? આ હિસાબી કામ કરતા શિક્ષકોને પૂછો કે છેલ્લે બાળકોને ક્યારે ભણાવ્યું હતું. પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ આપના કે આપની અગાઉના શિક્ષકોને નાણાંકીય કામગીરીના આદેશો રદ કરી કલાર્કનું કામ કલાર્ક કરે અને શિક્ષકોને બાળકને ભણાવવા દો. બસ આટલું થશે તો પણ ડાંગના બાળકોનું શિક્ષણ આપોઆપ સુધરશે.