Nov 11, 2014

વર્ષ ૧૯૯૮ પછી ભરતી થયેલા શિક્ષકોને ફાજલ ન કરવા નિર્ણય


વડોદરા,તા.૧૦ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૯૯૮ના વર્ષ પછી ભરતી થયેલાં તમામ શિક્ષકોને હાલ ફાજલ ન કરવા અંગેનો મહત્વનો નીતિ વિષયક નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડી તેના તત્કાળ અમલીકરણ અર્થે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને જાણ કરી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે ૧૯૯૮ બાદ ભરતી થયેલા શિક્ષકોને ફાજલ થવાની શક્યતાઓમાંથી રક્ષણ મળતાં આ શિક્ષકોએ ભારે રાહત અનુભવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને રાજ્યની શિક્ષણ આલમે આવકાર્યો છે.
  • તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી અમલ કરવા તાકીદ કરી
વડોદરા જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ બી એફ રાઠોડે આ અંગે જણાવ્યું હતુ કે વડોદરા શહેરની માધ્યમિક શાળાઓમાં હાલ એક હજાર જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. ઉપરાંત વડોદરા જિલ્લાની શાળાઓમાં પણ આશરે ૧૪૦૦ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. ઉપરાંત રાજ્યની અન્ય શાળઓમાં પણ વર્ષ ૧૯૯૮ બાદ ભરતી મેળવનારા હજારો શિક્ષકો જોડાયાં છે. આ પરિપત્રને કારણે તેમને કાયમી તરીકેનું રક્ષણ મળવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યાં છે. પરિપત્રનો લાભ ૧૯૯૮ બાદ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી મેળવનારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મળશે.

શિક્ષક સંઘોના લાંબા ગાળાના સંઘર્ષનું પરિણામ
૧૯૯૮ બાદ ભરતી મેળવનારા શિક્ષકોને સરકાર દ્વારા કાયમી તરીકેનું રક્ષણ ન આપવા અંગેનો પરિપત્ર અમલી બનાવાયો હોવાથી રાજ્યના શૈક્ષણિક સંધો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લાંબા ગાળાના સંઘર્ષ બાદ અસંખ્ય શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી હોઈ વચગાળાની કામગીરી તરીકે શિક્ષણ વિભાગને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

તમામ શિક્ષકોને રક્ષણ મળવાપાત્ર થશે
રાજ્યમાં ધોરણ - ૮નો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાતાં તે વેળાની પરિસ્થિતિને કારણે જે માધ્યમિક શિક્ષકો આ પરિસ્થિતિથી અસર પામતા હતા તેઓને જ ફાજલ તરીકેનું રક્ષણ મળવાપાત્ર હતુ. તેના બદલે વર્તમાન નવા પરિપત્રને કારણે ધોરણ ૮ થી ૧૨ સુધીના તમામ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળશે.