Nov 9, 2014

ખંભાતના અખાત પાસે મળી શકે છે મોટો તેલનો જથ્થો!

   ખંભાતના અખાત પાસે મળી શકે છે મોટો તેલનો જથ્થો!
ભારત સરકારના પેટ્રોલિયમ ખાતાની પરવાનગીથી ઓ.એન.જી.સી. લી. વતી તેલ સંશોધન જહાજ એમ.વી. જીયો કાસ્પિયન ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં ખંભાતના અખાત પાસે મુંબઇ હાઇના વેસ્ટ બ્લોકમાં નવેમ્બર 2014ના પ્રથમ સપ્તાહથી તારીખ 30, 5, 2015 સુધી તેલ સંશોધન હાથ ધરનાર છે. આ જહાજ સતત 24 કલાક 4.7 દરિયાઇ માઇલની ગતિથી દરેક 8 કિ.મી. લાંબા એવા 16 કેબલને સતત ખેંચતું રહેશે, એ તમામ કેબલ પાણીની સપાટીથી 0 થી 50 મીટર ડૂબેલા રહેશે અને બધા મળી કુલ 900 મીટર પહોળાઇ ધરાવતા રહેશે.

એ દરેક કેબલની પાછળ પીળી ચળકતી લાઇટ સાથેનું બોયું માછીમારોને પોતાની બોટ/જાળ દૂર રાખવા ચેતવણી આપતું રહેશે. આ જહાજની આસપાસ પેસિફિક પ્રોટેકટર નામનું એક સપોર્ટિંગ જહાજ તથા 20 મશીનવળી હોડીઓ સતત ફરતી રહેશે અને માછીમારોની બોટોને દૂર રાખવામાં મદદ કરશે. માછીમાર ભાઇઓને પોતાની બોટ/જાળ એમ.વી.જીયો કાસ્પિયન જહાજથી દૂર રાખવા જણાવાયું છે. જેથી સરવેનું કામ ઝડપથી પૂરું કરી, એ વિસ્તારો માછીમારી માટે જેમ બને તેમ ઝડપથી ખુલ્લા કરી શકાય તેમ આ કામગીરીના કો-ઓર્ડિનેટર વી.જે. ઠાકરએ જણાવ્યું છે. સર્વેક્ષણ સ્થળ મુંબઇથી પશ્ચિમે 95 નોટિકલ માઇલ, વેરાવળથી દક્ષિણ-પૂર્વ 60 નોટિકલ માઇલ અને જાફરાબાદથી દક્ષિણમાં 40 નોટિકલ માઇલ દૂર આવેલ છે.