Nov 9, 2014

ખેડા જિલ્લામાં વધ હેઠળના પ્રાથ. શિક્ષકોની બદલી બંધ રખાવવા પેંતરા.


નડિયાદ, તા. ૬
વેકેશન પૂર્ણ થતા અગાઉ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વધઘટ માટેના કેમ્પ યોજાવાના છે ત્યારે વધમાં જતા કેટલાક શિક્ષકોની બદલી રૃપિયાના જોરે બંધ રખાવવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જે શાળામાં બાળકોની સંખ્યા ઘટી હોય ત્યાં શિક્ષકો વધતા હોય છે. આથી જે શાળાઓમાં શિક્ષકોની જરૃરત હોય ત્યાં જે તે શિક્ષકોની ફરજિયાત બદલી કરવાનો નિયમ છે. પણ ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડી.ઈ.પી.ઓ.)ની કચેરી તથા તાલુકા કેળવણી નિરીક્ષકોના મળતિયાઓ દ્ધારા વધમાં જતા શિક્ષકોની પાસેથી બદલી બંધ રખાવવા માટે રૃપિયા  ૪૦ હજારથી લઈ પ૦ હજાર પડાવવાની પેરવી ચાલતી હોવાની  ચોકાવનારી વિગતો બહાર આવી છે.
દિવાળીનું વેકેશન હવે પૂર્ણ થવાના આરે છે અને શાળાઓ ખુલવાની તૈયારીમાં છે ત્યારે તા. ૭ અને ૮ નવેમ્બર ર૦૧૪ (શુક્ર અને શનિવાર)ના રોજ નડિયાદ નજીકના ઉત્તરસંડા અને કપડવંજખાતે પ્રાથમિક શિક્ષકોની વધઘટ અન્વયે બદલી કેમ્પનું આયોજન ડી.ઈ.પી.ઓ. કચેરી દ્ધારા કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ જિલ્લાની ઘણી શાળાઓમાં ચાલુ વર્ષે પણ બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થતા શિક્ષકોની વધ પડી છે. જ્યારે ઘણી શાળાઓ એવી પણ છે,  જ્યાં શિક્ષકોની ઘટ છે. તેથી ઘટ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં જે તે શિક્ષકોની બદલી કરવાની રહે છે.
પરંતુ  ડી.ઈ.પી.ઓ.ની કચેરી તથા તાલુકા કેળવણી નિરીક્ષકોના મળતિયાઓ  દ્ધારા રૃપિયા પડાવી વધમાં જતા શિક્ષકોની બદલી બંધ રખાવવામાં આવતી હોય છે. આ વખતે  દિવાળીનું વેકેશન છેક પૂર્ણ થવાના આરે છે ત્યારે ડી.ઈ.પી.ઓ. કચેરી દ્ધારા આયોજિત બદલી કેમ્પમાં લાગતા વળગતા ઘણાં શિક્ષકોએ બદલી બંધ રખાવવાના ભરપૂર પ્રયાસો શરૃ કર્યા છે. શિક્ષણાધિકારીની કચેરીના સક્રિય થયેલા મળતિયાઓ દ્ધારા લાગત વળગતા શિક્ષકોની પાસેથી રૃા. ૪૦ હજારથી માંડી રૃા. પ૦ હજાર પડાવવાનું શરૃ કર્યું છે. જે શિક્ષક આટલી રકમનો વ્યવહાર કરે તેની બદલી કોઈપણ બહાને બંધ રહે છે.
કેમકે મળતિયાઓએ પડાવેલી રકમ ડી.ઈ.પી.ઓ. અને તેમની કચેરીના સંબંધિત કર્મચારીઓ ઉપરાંત તાલુકા કેળવણી નિરીક્ષક સુધી પહોંચાડવામાં આવે છે. આમાં ઉચ્ચ અધિકારીને રૃા. રપથી ૩૦ હજાર સુધીનો તથા બીજી રકમમાંથી અન્ય સંબંધિતોનો વહીવટ કરવામાં આવી રહ્યો છે.
ઘણાં શિક્ષકો પાસે રકમનું નકકી કરી તે કયારે અને કેવી રીતે આપવી તે બાબતે પણ આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું જાણકારોમાં ચર્ચાય છે. ઘણાં શિક્ષકો  વધમાં જતા હોવા છતાં  તેઓ તાલુકાફેર  કે અન્ય કોઈ સ્થળે  બદલી સ્વીકારવા માટે રાજી નથી. તેના કારણોમાં જે તે સ્થળે તગડી રકમના ટયૂશનો અને સાઈડ બ્યુઝનેસ જેવા કારણો ભાગ ભજવી રહ્યા છે.
આ તમામ બાબતો ડી.ઈ.પી.ઓ., તેમની કચેરીનો લાગતો વળગતો સ્ટાફ અને તાલુકા કેળવણી નિરીક્ષકો સારી રીતે જાણતા હોય છે. પણ તેમને મોટી રકમનો વ્યવહાર થતો હોવાથી તેઓ આ બાબતમાં ચૂપકીદી દાખવતા હોય છે. આ વખતે પણ તા. ૭ અને ૮ નવેમ્બરના રોજ યોજાનાર બદલી કેમ્પમાં પણ વધમાં જતા ઘણાં શિક્ષકોએ રૃપિયાના જોરે પોતાની બદલી બંધ રખાવવાના પ્રયાસો શરૃ કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે વધમાં જતા કેટલાક શિક્ષકોની બાજુની શાળામાં જ માત્ર રેકોર્ડ પર બતાવવા પૂરતી બદલી કરી પાછળથી ચૂપચાપ તેની બદલી મૂળ શાળામાં કરી દેવાની પણ પેરવી થઈ રહી હોવાનું ચર્ચાય છે.
આથી ઉત્તરસંડા અને કપડવંજખાતે યોજાનાર બદલી કેમ્પ તો માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી છે. જયારે મોટાભાગનો તખ્તો અંદરખાને તૈયાર હોવાનું જાણકારો જણાવે છે.
આર્થિક ગેરરીતિઓના કારણે અન્ય શિક્ષકો-બાળકોને અન્યાય
નડિયાદ, તા. ૬
નડિયાદ અને મહુધા તાલુકામાં વધઘટમાં જતા શિક્ષકોની બદલીઓ પર બ્રેક મારવા માટે તાલુકા કેળવણી નિરીક્ષક અને તેમની કચેરી સહિત અન્ય સંબંધિતોની સાથે મોટી રકમના વ્યવહારો થતા હોવાનું જોરશોરથી ચર્ચાય છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી સ્થિતિ છે. આવા ભ્રષ્ટાચારના કારણે બાળકો અને બીજા શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ કૌભાંડના બીજા પણ પોપડા ઉખડે એમ છે. જોકે, આ બાબતે ડી.ઈ.પી.ઓ. કચેરીમાં પૂછતા તેમણે ચૂપકીદી સેવી છે.

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાનો વિરોધ.

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાનો વિરોધ
ભાવનગર,
જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અક્ષયપાત્ર સંસ્થાને સોંપવાના નિર્ણયનો મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે તેનાથી જિલ્લાના મ.ભ.યો. કેન્દ્રો સાથે સંકળાયેલ ત્રણ હજાર ભાઈ-બહેનોના ગુજરાનનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.ભાવનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળના પ્રમુખ અને મહામંત્રીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં હાલમાં ૧૦૦૦ ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા મધ્યાહન ભોજનનાં સંચાલકોને છુટા કરી ભાવનગર જિલ્લાનાં મધ્યાહન ભોજનનાં કેન્દ્રો અક્ષય પાત્ર સંસ્થાને સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે રાજ્ય સરકારમાં ઠરાવ મોકલવામાં આવેલ છે. જે અનુસંધાને ભાવનગર જિલ્લાનાં આશરે ત્રણ હજાર કર્મચારી ભાઈઓ તથા બહેનોનાં ગુજરાનનું પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે. તેમજ મધ્યાહન ભોજનમાં કામ કરતા સંચાલક, રસોઈયા, મદદનીશ કફોડી હાલતમાં મુકાઈ જવા પામેલ છે. જેબાબતે રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રાજ્ય સરકારમાં આ બાબતે રજુઆત કરવામાં આવેલ છે કે મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓને છુટા ન કરવા અને આ યોજના અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ન ચલાવવામાં આવે તે માટે ભાવનગર જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી સંઘનાં પ્રમુખ કનુભાઈ દેસાઈ તથા મહામંત્રી ગણપતસિંહ ગોહિલ દ્વારા જિલ્લા કલેકટરને આજરોજ રજુઆત કરવામાં આવેલ છે. તેમજ આ અંગેનાં કાર્યક્રમો બાબત સંચાલકોને જાણ કરવામાં આવશે. તેમ સંચાલક મંડળની યાદીમાં જણાવાયું હતું.