Nov 27, 2014

રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો

માણસા તાલુકાના કોઇ એક ગામમાં ધો-1થી 12 સુધીની અંગ્રેજી માધ્યમની મોડેલ સ્કૂલનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે આજે મળેલી જિલ્લા શિક્ષણ સિમિતિની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. આ માટે માણસા તાલુકા અનોડિયા, કોટ અને ડોડિયાપાડા ગામની પસંદગી કરવામાં આવી છે. તે પૈકી અનોડિયા ગામમાં સ્કૂલ માટે તમામ સુવિધા ઉપલબ્ધ હોવાના પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે ગાંધીનગર જિલ્લામાં 5 માડેલ સ્કૂલ શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ 2014માં તૈયાર કરાયો હતો. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન ગાભુસિંહ રાઠોડ અને ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા આ માટેની એક દરખાસ્ત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી હતી. તેમાં વધુ એક અનોડિયા ગામનો ઉમેરો કરવાનો ઠરાવ કરાયો હતો. જિલ્લામાં સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે મોડેલ સ્કૂલના કોન્સેપનું આયોજન શિક્ષણ સિતિના ચેરમેન ગાભુસિંહ રાઠોડ દ્વારા કરાયુ છે. આ મોડેલ સ્કૂલમાં ધોરણ-૧થી ૧૨ સુધીનો ગુજરાતી-અંગ્રેજી માધ્યામના અભ્યાસક્રમને સમાવી લેવાયો છે.
આ અંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ગાભુસિંહ એસ.રાઠોડે જણાવ્યું કે ગાંધીનગર જિલ્લામાં રાજ્યમાં સૌપ્રથમ સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. તેને સફળતા મળ્યા બાદ જિલ્લામાં વધુ ૨૦ સરકારી પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કૂલો બનાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. તે પછી દરેક તાલુકામાં એક-એક મળી કુલ પાંચ સરકારી મોડેલ સ્કૂલો ચાલુ કરવાનું આયોજન છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકો અંગ્રેજી માધ્યમમાં ધોરણ-૧થી ૧૨ સુધીનો અભ્યાસ એક જ સ્કૂલમાં પુરો કરી શકે તેવો હેતુ આ પ્રોજેક્ટ પાછળનો છે. ઉલ્લેખનિય છે કે રાજ્યા સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાના પછાત તાલુકાઓમાં આ પ્રકારની ૮૦ મોડેલ સ્કૂલો કાર્યરત છે. તે પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં મોડેલ સ્કૂલ શરૂ કરવાનું આયોજન કરાયુ છે.
મોડેલ સ્કૂલ માટે પસંદ કરાયેલા ગામ જિલ્લામાં ધો-૧થી ૧૨ની પાંચ સરકારી મોડેલ સ્કૂલ માટે દરેક તાલુકાને એક-એક સ્કૂલ મળશે. તે માટે કલોલ તાલુકાનું આરસોડિયા ગામ, માણસા તાલુકાનું દેલવાડ, ગાંધીનગર તાલુકાનું દશેલા, દહેગામ તાલુકાનું વાસણા ચૌધરી અને માણસા તાલુકાના અનોડિયા ગામની પસંદગી કરવામાં આવી છે.
જિ.પં.નું સંચાલન અને સ્કૂલનો ખર્ચ  સરકાર ભોગવેશ
જિલ્લામાં શરૂ થનારી મોડેલ સ્કૂલોનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને તેનું સંચાલન જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. સ્કૂલ માટેના બાંધકામનો ખર્ચ પણ સરકાર કરશે. સ્કૂલ માટેની જમીન હાલમાં ૪ ગામમાં ઉપલબ્ધ થઇ ચૂકી છે. એક ગામમાં જમીન મેળવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.