Nov 14, 2014

GUNOTSAV-5 NEWS KUTCH.

પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધારણા અંતર્ગત ગુણોત્સવનાં પાંચમા તબક્કા અંતર્ગત કચ્છ જિલ્લામાં આગામી તા.ર૦થી રર દરમિયાન પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જિલ્લાની ૩૦ ટકા શાળાઓમાં બાહ્ય અને ૭૦ ટકા શાળાઓમાં સ્વમૂલ્યાંકનકરવામાં આવશે. જે શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન થવાનું છે ત્યાં રાજ્ય સરકારનાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોનાં વર્ગ-૧નાં અધિકારી સહિત શાળાઓમાં મૂલ્યાંકન કરશે. પ્રાથમિક શિક્ષણ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર, કચ્છમાં બે ઉપસચિવ, બે સહાયક સચિવ અને આઠ નાયબ સચિવ સહિતનાં અધિકારીઓ શાળાઓનાં મૂલ્યાંકનમાં જોડાશે. કચ્છની ૧૭ર૬ પ્રાથમિક શાળાઓમાં આગામી તા.ર૦, ર૧ અને રર એમ ત્રણ દિવસ સુધી ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકન કામગીરી કરવામાં આવશે. જિલ્લાની ૩૦ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનકારો દ્વારા મૂલ્યાંકન થવાનું છે તેવી શાળાઓમાં સચિવાલયનાં અધિકારીઓ ઉપરાંત જિલ્લાનાં વર્ગ-૧ અને રનાં અધિકારી, પદાધિકારી, કુલપતિ, કોલેજ,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્યો, કેળવણી નિરીક્ષકો, ડાયેટનાં વ્યાખ્યાતા અને એવોર્ડી શિક્ષકો સેવા આપશે. મૂલ્યાંકન પ્રક્રિયામાં ધો.રથી ૮નાં દરેક વિદ્યાર્થીનું શૈક્ષણિક, શાળાની ભૌતિક સુવિધા, સંલગ્ન પ્રવૃત્તિ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવશે. ધો.રથી પમાં વાચન, લેખન અને ગણન તેમજ ધો.૬થી ૮માં પ્રશ્નપત્ર અને ઉત્તરવહીથી ઓ. એમ. આર. પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. તો બીજી તરફે ગુણોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે.