વિદ્યાસહાયકની ભરતીમાં થઇ રહેલા
અન્યાય અંગે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ શનિવારે કોંગ્રેસના નેતાઓને રૂબરૂ
મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં આગામી 18મીએ ગાંધીનગર ખાતે રેલી
યોજવામાં આવનાર છે. તેમાં શક્ય સહકાર આપવાની નેતાઓએ ખાત્રી આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યસહાયકની ભરતીમાં
અન્યાય થતો હોવાની ફરીયાદ સાથે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના
અરજદારો શનિવારે પાટણ આવેલ કોંગ્રેસના વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા, પ્રદેશ
અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓને મળ્યા હતા. તેઓએ વ્યાસ સભાગૃહ
હોલ ખાતે એક આવેદનપત્ર આપી તેમાં જણાવ્યું હતું કે, ધો.6 થી8માં ત્રણેય
વિષયના એક એક શિક્ષક ભરવા ફરજિયાત છે. જેમાં ગણિત અને વિજ્ઞાનના 18000 તેમજ
ભાષાના 14000 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. પરંતુ સામાજિક વિજ્ઞાનમાં
માત્ર 3000 શિક્ષકોની પરીક્ષા ભરતી કરવામાં આવી છે. ત્રણ-ત્રણ વખત ટેટ-2ની
પરીક્ષા લેવા છતાં પૂરતી ભરતી થતી નથી તેથી ન્યાય અપાવવા અરજ કરવામાં આવી
હતી.આ સબંધે 18મીએ ગાંધીનગરમાં રેલી યોજવાનું આયોજન સવારે ગાંધીબાગમાં
મળેલી બેઠકમાં નક્કી કરાયું હતું. જેમાં મંજૂરી મળે તો જરૂરી સહકાર આપવાની
રજૂઆત થતાં કોંગ્રેસ નેતાઓએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
