Nov 28, 2014

STORY BY-MR. SHAILESH SAGPARIYA.

તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા ચકાસણી માટેનો કાર્યક્રમ પુરો થયો. આ સંદર્ભમાં એક ઘટનાનું સ્મરણ થયુ જે આપના ધ્યાન પર મુકુ છુ. જામકંડોરણા તાલુકાનું પીપળીયા એજન્સી નામનું  એક નાનુ એવુ ગામ છે. આ ગામના શાળાના આચાર્ય વિરુધ્ધમાં ત્યાંના બીઆરસી કો- ઓર્ડીનેટરની ફરીયાદ મળી. આ અંગેની તપાસ મને સોંપવામાં આવી. મોટાભાગની શાળાઓનો સમય સવારના 11 થી સાંજના 5 સુધીનો હતો એટલે હું લગભગ 12.45ની આસપાસ ગામમાં પહોંચ્યો. હું જ્યારે કોઇ તપાસ માટે જાવ ત્યારે એકલો જ જાઉ કોઇ ક્લાર્કને પણ સાથે ન લઇ જાવ ઉપરાંત કોઇને આ બાબતે અગાઉથી જાણ પણ ન કરુ એટલે મને આ શાળાના સમયનો ખ્યાલ ન રહ્યો. ગામમાં દાખલ થયો ત્યાં વિદ્યાર્થીઓ સામે મળ્યા. વિદ્યાર્થીઓને પુછ્યુ તો ખબર પડી કે શાળાનો સમય સવારના 7.30 થી 12.30 નો છે. મને થયુ કે હવે તો શાળાએ ક્યાંથી કોઇ હોય? પણ શાળાએ પહોંચ્યો તો આશ્વર્ય કે શાળાના આચાર્ય ખુદ વિદ્યાર્થીઓ સાથે શાળાના બગીચામાં કામ કરી રહ્યા હતા. ગામના લોકોને ખબર પડી કે કોઇ સાહેબ આપણી શાળાએ આવ્યા છે તો કેટલાક લોકો મળવા માટે આવ્યા અને એમની પાસેથી જ્યારે શાળાના આચાર્ય અને એમના પત્નિ વિષે સાંભળ્યુ તો આંખો ભીની થઇ ગઇ. શાળાના આચાર્ય અને એમના પત્નિ બંને તે સમયે મહીનાના માત્ર 2500 રૂપિયાના ફિકસ પગારમાં નોકરી કરતા હતા. સરકાર દ્વારા અમારુ શોષણ કરવામાં આવી રહ્યુ છે આવી ફરીયાદો કરવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પુરી નિષ્ઠા સાથે નિભાવતા હતા. પતિ-પત્નિ બંને સવારે પોણા સાત સુધીમાં શાળાએ આવી જાય. પતિ દરવાજા પાસે બેસે અને જે બાળકો ગંદા હોય તેના હાથ-પગ-મો સાફ કરી આપે અને પછી અંદર મોકલે. એમના પત્નિ આ બાળકોને માથામાં તેલ નાંખીને માથુ ઓળી આપે, કોઇના નખ વધી ગયા હોય તો નખ કાપી આપે. પછી ભણવાનું શરૂ થાય. બપોરે જમીને પતિ-પત્નિ ફરીથી શાળાએ આવે અને કોઇપણ જાતની ફી વગર સાવ મફતમાં નબળા વિદ્યાર્થીઓને ટ્યુશન આપે અને રાત્રે ગામના અભણ લોકોને ભણાવવાનું પણ કામ કરે. શાળામાં બધુ જ પરફેક્ટ હતુ અને આચાર્યની કાર્યનિષ્ઠા ઉડીને આંખે વળગતી હતી. મને આશ્વર્ય થયુ કે આચાર્યની વિરુધ્ધમાં ફરીયાદ કેમ થઇ હશે મેં આ બાબતે આચાર્યને પુછ્યુ તો એમણે હસતા હસતા કહ્યુ કે મેં શિક્ષકોની તાલીમ દરમિયાન બીઆરસીને પ્રશ્ન પુછ્યો કે આ તાલીમ દરમિયાન અમારા જમવા માટે શું ગ્રાન્ટ આપવામાં આવે છે? બસ સાહેબને ના ગમ્યુ એટલે ફરીયાદ કરી. પણ ભલેને કરી મને કોઇ અફસોસ નથી એમનું કામ ફરીયાદ કરવાનું છે તો એ એનુ કામ કરે અને મારુ કામ બાળકોના સર્વાંગી વિકાસનું છે તો હું એ કામ કરુ. કાશ મારા દેશમાં આવા શિક્ષકોની બહુમતી થઇ જાય.આજે હજારો રૂપિયાનો પગાર લઇને કંઇ જ ન કરનારા શિક્ષકોની સંખ્યા ખુબ મોટી છે ત્યારે આવા શિક્ષકોની પણ આછી પાતળી સંખ્યા છે એ આનંદની વાત છે........................Shailesh Sagpariya