Mar 27, 2015

News Update



  
GUJCET-2015 


રામનવમી

   

શ્રી રામ ભગવાનનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હોવા પાછળ પણ એક પ્રતીકાત્મક સંદેશ રહેલો છે. બપોરના સમયે સૂર્ય એકદમ આકાશની વચ્ચોવચ આવીને સખત તપતો હોય છે. આ સમયે પૃથ્વી પર સૂર્યના તાપની જેમ આસુરી શક્તિઓએ પણ માઝા મૂકી હતી. જ્યારે અત્યાચાર અને આસુરી શક્તિનો ત્રાસ ચરમસીમાએ પહોંચે છે તેવા જ મધ્યાહ્ન સમયે આસુરી શક્તિને ડામવા અને પૃથ્વી પર શાંતિનું વાતાવરણ સર્જવા માટે શક્તિનું અવતરણ થાય છે. શ્રીરામના મધ્યાહ્ન સમયે થયેલા જન્મ પાછળ આ જ અર્થ રહેલો છે.
ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્યદેહે અવતાર લે છે ત્યારે તેમની દરેક લીલા જગતને એક સંદેશ આપનારી હોય છે. શ્રીરામનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે થયો હતો. રામ અવતારની કથા તો આપણે સારી રીતે જાણીએ જ છીએ. શ્રીરામનો જન્મ વિશેષ ઉદ્દેશ્યને પાર પાડવા માટે થયો હતો. આસુરી શક્તિનો વિનાશ કરીને એક ક્ષત્રિય ધર્મને નિભાવવાની સાથે તેમણે આજ્ઞાાકારી પુત્ર, શ્રેષ્ઠ ભ્રાતા, પતિ અને આદર્શ રાજાનું કર્તવ્ય પૂર્ણ કરીને જગતના દરેક પુત્ર, ભાઈ, પિતા, પતિને તેમના કર્તવ્યનું સુંદર રીતે ભાન કરાવ્યું છે.
શ્રીરામ ભગવાને પુત્રથી માંડીને રાજા સુધીના દરેક કર્તવ્યને સારી રીતે નિભાવ્યાં છે. પરિવારમાં સંપત્તિ અને સત્તા માટે ભાઈઓ વચ્ચે કંકાશ થતો હોય છે. પ્રભુએ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારીને આજ્ઞાાકારી પુત્ર બનવાની સાથે આદર્શ ભ્રાતા બનીને રાજપાટ, વૈભવ બધું જ ત્યજી દીધું. શ્રીરામ મર્યાદાપુરુષોત્તમ હતા. પોતે સાક્ષાત્ ભગવાન હોવા છતાં પણ એક સાધારણ મનુષ્યની જેમ સુખ-દુઃખ ભોગવ્યાં હતાં. પિતાનું વચન પાળવા આજ્ઞાાથી ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો. વનમાં રહ્યા તે દરમિયાન અસુરરાજ રાવણ પત્ની સીતાનું હરણ કરી ગયો. સીતાજીને શોધવા નીકળેલા રામ-લક્ષ્મણને હનુમાનજી, સુગ્રીવ, જાંબવાન, નલ-નીલની મદદ મળી. સમુદ્ર પર સેતુ બાંધીને તેઓ લંકા સુધી પહોંચ્યા. રાવણને છેલ્લી વાર સમજાવવા માટે દૂત પણ મોકલ્યા, છેવટે રામ-રાવણનું યુદ્ધ થયું. વિભિષણની વિશેષ મદદથી શ્રીરામ યુદ્ધ જીત્યા. રાવણ મૃત્યુ પામ્યો. ચૌદ વર્ષનો વનવાસ પૂરો થતાં શ્રીરામ અને સીતામાતા સહિત સૌ અયોધ્યા પહોંચ્યા. આ વનવાસ દરમિયાન તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો. તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે મર્યાદા નહોતા ચૂક્યા. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા. પ્રજામાંથી જ કોઈના કહેવાથી તેમણે માતા સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનાં બાળકો લવ-કુશથી દૂર રહેવું પડયું. અંતમાં માતા સીતા ધરતીમાં સમાઈ ગયાં. આટલાં દુઃખ કોઈ સામાન્ય મનુષ્ય સહન ન કરી શકે, પરંતુ મર્યાદાપુરુષોત્તમે મર્યાદાનો ત્યાગ કર્યા વગર આ બધું સહન કર્યું હતું. રામનવમીના દિવસે ભક્તો મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની જન્મજયંતીની ધૂમધામપૂર્વક ઉજવણી કરે છે. આ દિવસે ઉપવાસ રાખે છે અને વિધિવત્ શ્રીરામ અને સીતાજીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે.
 રામ નામનો મહિમા


 
 

No comments:

Post a Comment