અમેરિકન પ્રેસિડેન્ટ્સ વુડ્રો વિલ્સન અને અબ્રાહમ લિંકનથી માંડીને માર્ક ટ્વેઇન સુધીના મહાનુભાવોના નામે ચડતું રહેલું આ અવતરણ કોણ બોલ્યું ને કોણ નહીં એ અગત્યનું નથી. લાંબું બોલવું તદ્દન આસાન છે, ટૂંકું પ્રવચન કરવું એકદમ અઘરું છે, એ મૂળ વાત છે. ખરી વક્તૃત્વકળા ઓછામાં ઓછી મિનિટોમાં શ્રોતાઓને અઘરામાં અઘરા વિષય વિશેની સરળતાથી સમજ આપવામાં છે. વક્તવ્યની એક પણ મિનિટ વેડફાય નહીં, નકામો એકેય શબ્દ બોલાય નહીં, પુનરાવર્તન થાય નહીં, મનોરંજન માટેના રમૂજી ટુચકા અને સંદર્ભવિહીન કિસ્સાઓને મારીમચડીને પ્રવચનમાં ઘુસાડાય નહીં ત્યારે જ શ્રોતાઓને ખબર પડે કે વક્તા કેટલા પાણીમાં છે.
ભારતમાં પણ જેનાં પગરણ થઈ ચૂક્યાં છે તે ઇન્ટરનેશનલ પ્રવચન સિરીઝ નામે 'ટેડ ટોક' વિશે ક્યારેક ટૂંકી નોંધ લખી હતી, આજે વિસ્તૃતપણે વાત કરવી છે. ટીઈડી - ટેડ એટલે ટેક્નોલોજી, એન્ટરટેઇનમેન્ટ અને ડિઝાઇનનું ટૂંકાક્ષરી સ્વરૂપ. ૧૯૮૪માં અમેરિકામાં પહેલી 'ટેડ ટોક'ની ઇવેન્ટ યોજાઈ ત્યારે એને આગળ વધારવાનો કોઈ ઇરાદો નહોતો. ૧૯૯૦થી દર વર્ષે 'ટેડ ટોક' યોજાવા લાગી. એ પછી વર્ષમાં બે વાર અને હવે તો અમેરિકા ઉપરાંત યુરોપ અને એશિયામાં પણ 'ટેડ ટોક'નું આયોજન થાય છે. હવે તો આ ત્રણ ઉપરાંત દુનિયાભરના વિષયો પર એક્સપર્ટ્સનાં પ્રવચનો થાય છે, પણ બ્રાન્ડનેમ 'ટેડ ટોક' જ છે.
આ 'ટેડ ટોક' માત્ર વીસ જ મિનિટની હોય છે. વીસ મિનિટમાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો આપણા જેવા નોર્મલ સીધાસાદા શ્રોતાઓને જકડી રાખે એવી માહિતી અને એવા વિચારો પેશ કરીને તરબતર કરી દેતા હોય છે. કેવા વક્તાઓ હોય છે એમાં? સ્ટીવ જોબ્સથી માંડીને બિલ ક્લિન્ટન અને મોનિકા લુઇન્સ્કી સુધીના મહાનુભાવો 'ટેડ ટોક' માટે નિમંત્રણ મળે એને પોતાનું સદ્ભાગ્ય ગણે. ટેડ ડોટ કોમ (www.ted.com) પર ૧૯૦૦થી વધારે પ્રવચનો તમને જોવા-સાંભળવા મળશે. અંગ્રેજી ઉચ્ચારો ક્યારેક ન સમજાય તો વીડિયોની સાથે સબટાઇટલ્સ અને નીચે આખા પ્રવચનની ટ્રાનસ્ક્રિપ્ટ મૂકેલી હોય છે. રોજ માત્ર એક-એક પ્રવચન પણ તમે સાંભળશો કે વાંચો તો તમારે તમારા જ્ઞાાનની ક્ષિતિજો વધારવા બીજે ક્યાંય જવું નહીં પડે.
'ટેડ ટોક'નો એક નવો ફાંટો 'ટેડ-એક્સ ટોક' છે, જેનું આયોજન ડાયરેક્ટલી 'ટેડ ટોક' દ્વારા નથી થતું, પણ એ લોકોની ગાઇડલાઇન્સ હેઠળ, એમની પરવાનગી લઈને તમે એનું આયોજન કરી શકો છો. ગયા રવિવારે શેફ સંજીવ કપૂરે આવી જ એક 'ટેડ-એક્સ ટોક' વારાણસીમાં કરી. 'ટેડ ટોક'ના આયોજક નોન પ્રોફ્ટિ મેકિંગ સેપલિંગ ફાઉન્ડેશન પાસે ન્યૂ યોર્ક અને વેનકુવરના હેડક્વાર્ટર્સમાં કુલ ૯૦ જણનો સ્ટાફ છે. 'ટેડ ટોક'માં રૂબરૂ સાંભળવાનું આમંત્રણ મેળવવું સસ્તી વાત નથી. એન્યુઅલ મેમ્બરશિપ ફી છ હજાર ડોલર્સ છે.
૨૦૦૫થી દરેક વર્ષની બેસ્ટ 'ટેડ ટોક' માટે ઇનામ આપવાનું ચાલુ થયું. અત્યારે એ ઇનામ દસ લાખ ડોલર્સનું છે. 'ટેડ ટોક'નાં પ્રવચનો સભાગૃહોમાં થાય છે. પછી એનો વીડિયો યુ ટયૂબ તેમજ ટેડની પોતાની વેબસાઇટ પર મુકાય છે. આ પ્રવચનોને ટીવી પ્રોગ્રામ તરીકે બતાવવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે ટેડવાળાઓએ રિજેક્ટ કરી.
No comments:
Post a Comment