Apr 25, 2015

‘પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો, માગણીઓ કોઇ બાકી નથી. જટિલ પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ ગયું છે.

આથી, હવે તેનું વળતર પણ સમાજને મળવું જોઈએ. સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર, શાળાના ઓરડા, રમતનું મેદાન, ક્વોલીફાઇડ શિક્ષકોને પુરો પગાર છે. સામા પક્ષે કેટલીક ખાનગી સંસ્થાઓમાં રમતના મેદાનોનો અભાવ, શૈક્ષણિક સાધનોનો અભાવ છતાં ખાનગી અને સરકારી શાળાઓની હરિફાઇમાં હવે આપણે આગળ નીકળવું પડશે.’ તેમ શિક્ષક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બાલાસિનોર ખાતે યોજાયેલા અધિવેશનમાં જણાવ્યું હતું. બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોનું શૈક્ષણિક અધિવેશન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે ‘સરકાર બજેટના ત્રીજા ભાગની રકમ ~22,700 કરોડ શિક્ષણ ક્ષેત્રે આપે છે. આથી શિક્ષકો પાસે અપેક્ષા છે. શિક્ષકો પાસે હું માંગું છું કે ખાનગી શાળાની હરિફાઇમાં સરકારી શાળા આગળ નીકળે.’ સરકારી શાળાના શિક્ષણ સ્તર અંગે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘આજે નવમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને નવમાનું ભણાવવું કે ત્રીજાનું ભણાવવું ?’ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદુભાઈ જોષી, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ નમેશભાઈ સેવક હાજર રહ્યા હતા. ઉપરાંત મહિસાગર જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પાઠક, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલ વગેરે હાજર રહ્યાં હતાં.

No comments:

Post a Comment