Oct 19, 2015

ફિક્સ પગારથી પાંચ વર્ષ પૂરાં કરનારા હજારો કર્મચારીઓને કાયમી કરાશે

બે વર્ષમાં CCC પરીક્ષા પાસ કરવાની શરતેકેબિનેટની બેઠકમાં નિર્ણય ઃ કમ્પ્યુટર સાયન્સ પાસ કરનારાઓને પણ મુક્તિ આપવાની વિચારણા
અમદાવાદ, બુધવાર
ફિક્સ પગારથી સરકારના જૂદા જૂદા વિભાગોમાં નોકરી કરી રહેલા હજારો કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવી જાહેરાત સરકારે કરી છે. પાંચ વર્ષ સુધી ફિક્સ પગારથી નોકરી પૂર્ણ કરનારા અને CCC પાસ નહી કરી શકનારા કર્મચારીઓને કાયમી કરી, તે પ્રમાણેના લાભો અને હક્કો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જો કે આવા કર્મચારીઓએ પણ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવી પડશે.

રાજ્યની કેબીનેટ મંત્રીઓની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ અંગે સરકારના પ્રવક્તા અને સીનિયર કેબિનેટ મંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારવાળા સરકારી કર્મચારીઓને પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ કાયમી નવા અને તેના લાભો લેવા માટે CCC ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની હોય છે. આ પરીક્ષા પાસ નહી કરનારા કર્મચારીઓને કાયમી કરાતા નથી અને તેના લાભો પણ મળી શકતા નથી.
સરકારમાં અનેક રજૂઆતો આવી હતી. જેમાં પાંચ વર્ષ પૂર્ણ કરનારા આવા હજારો કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કર્યા વગર કાયમી કરી દેવાની માગણી રજૂઆતો કરવામાં આવી હતી. કેબીનેટની બેઠકમાં આ અંગે લાંબી ચર્ચા વિચારણા થઇ હતી. અંતે એવો નિર્ણય લેવાયો છે કે ફિક્સ પગારથી પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરનારા કર્મચારીઓને કાયમી કરવાના ઓર્ડરો તાત્કાલિક કાઢી દેવામાં આવશે. એટલે કે જે કર્મચારીઓએ પાંચ વર્ષ પૂરા કર્યા હશે તે હવેથી કાયમી કર્મચારી જ બની ગયા છે.
કાયમી કર્મચારીઓને મળતા પગાર ભથ્થા સહિતના બીજા તમામ લાભો પણ આવા કર્મચારીઓને તુરંત જ મળી જશે. કેબીનેટે કરેલા નિર્ણયમાં એક એવી શરત રાખી છે કે આ રીતે કાયમી થનારા તમામ કર્મચારીઓએ બે વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવાની રહેશે.
ઉપરાંત એવી ચર્ચા પણ થઇ હતી કે જે કર્મચારીઓ કમ્પ્યુટર સાયન્સનું, MCA નું ભણેલા હોય તો તેમની CCC પરીક્ષા લેવી કે મુક્તિ આપવી ? તેમજ અનેક કર્મચારીઓ એવા પણ છે કે જેમને ક્યારેય પણ કમ્પ્યુટરની જરૃર પડતી જ નથી. તો આવા કર્મચારીઓને પણ CCC માંથી મુક્તિ આપવી કે કેમ તેનો અભ્યાસ આગામી દિવસોમાં કરાશે. ત્યાર બાદ આ અંગેનો કોઇ નિર્ણય લેવાશે...

No comments:

Post a Comment