Oct 5, 2015

સફળતા મેળવવાના દસ દમદારપગથિયાં

By postponing your goals , you will only get old. - Anonymous.
ધ્યેય ને મોકુફ રાખવાથી તમે ફક્ત ઘરડા થશો , ધ્યેય પુરા નહી થાય , તેથી તો કહેવાય છે ને કે
"
કલ કરે સો આજ કર કરે સો અબ" ( Do it now or Never ) 

હિંમત પેદા કરો
  • ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ બધું ભેગું થઈને પણ ઝાકળબિંદુઓના કણોથી અધિક કંઈ નથી બની શક્તું.
  • મોતી તો પરસેવામાંથી ટપકે છે.
  • દોલત તો હાથ ભેગી કરે છે.
  • પ્રગતિ માટે હિંમતથી ઓછામાં કામ ચાલે.
  • કોઈ ગમે તેટલો સરંજામ ભેગો કરી લે, પણ એને સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કર્યા વિના કંઈ કામ નથી લાગતો.
  • શક્તિનો મહિમા તો ખૂબ છે, પણ માત્ર તે તેની પાસે રહે છે,
જે તેના સુસંચાલનની વિધાનો જાણકાર હોય.

સફળ થવા માટે નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા માટે ખૂબ બધી પોઝિટિવ વાતો થાય છે. પરંતુ એ માટે ખરેખર કેવાં નક્કર પગલાં લેવા જોઇએ એની વાત ભાગ્યે જ થાય છે  .સફળતા મેળવવાના દસ દમદારપગથિયાં...
એકવીસમી સદીનો બીજો દાયકો વિશાળ તકો લઇને આવ્યો છે દાયકામાં ભારત વિશ્વનું સૌથી યુવાન રાષ્ટ્ર બનવાનું છે અથૉત્ યુવાનોની સંખ્યા ભારતમાં સૌથી વધુ રહેવાની છે. વિકાસની ગાડી પાટે ચઢી ગઇ છે અને હવે પુરપાટ દોડવા તૈયાર છે. તમે જો સજ્જ નહીં હો તો આ ગાડી તમારી રાહ જોઇને થોભવાની નથી. કેવી સજ્જતા જોઇશે આ નવા દાયકામાં સફળ થવા માટે? નવી વિચારધારામાં ફીટ થવા માટે? નવી મેનેજમેન્ટ થિયરીઓને અનુસરવા માટે? હજારો વર્ષમાં વિશ્વએ એકઠા કરેલા ડહાપણના સમુદ્રમાંથી મોતી જેવા બાર ગુણ અહીં પસંદ કર્યા છે, યાદી બાવીસ, બેંતાલીસ કે બોંતેર સુધીયે લંબાવી શકાય તેમ છે, પણ થોડામાં ઘણું સમજો ડિયર વાચક.
લક્ષ્ય
પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.-  -ભગવાન બુદ્ધ
લક્ષ્ય, ધ્યેય, ટાર્ગેટ. ગળાકાપ અને ટાંટિયાખેંચ સ્પર્ધાના આ જમાનામાં લક્ષ્ય નક્કી કરવા જેટલું મહત્વનું બીજું કશું જ નથી. તમે શું પ્રાપ્ત કરવા માગો છો, તમારો ગોલ શું છે તે સ્પષ્ટ કરી લેવું જરૂરી છે. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે. ભગવાન બુદ્ધે કહ્યું છે, ઈશ્વરે દરેકને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની શક્તિ આપી જ છે. લક્ષ્ય ક્યારેય અશક્ય હોતું નથી, તેને અશક્ય બનાવે છે આપણી ઇચ્છા અથવા આપણી જાતનું ઓછું આકલન. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું કહેનાર સ્વામી વિવેકાનંદે પોતાના જીવનનું લક્ષ્ય કિશોરાવસ્થામાં જ નક્કી કરી લીધું હતું અને યુવાનીમાં તે પ્રાપ્ત પણ કરી લીધું હતું. આજે ૩૯ વર્ષની ઉંમરે કેટલાય લોકો પોતાનું ધ્યેય નક્કી કરી શક્યા હોતા નથી, ઉંમરે તો સ્વામીજીએ આ લોકને છોડી દીધો હતો. સેટ યોર ગોલ, નાઉ.
આયોજન
નસીબનાં દ્વાર ત્યારે ઉઘડે છે જ્યારે માણસ પ્લાનિંગ સાથે, આયોજનબદ્ધ રીતે ઉધ્યમ કરે. શાકુંતલમાં કહેવાયું છે, નસીબનાં દ્વાર તો સર્વત્ર હોય છે. પણ, આ દ્વાર સુધી પહોંચવા માટે, તેને ઉઘાડવા માટે આયોજન જરૂરી છે.તમારું ધ્યેય નક્કી કર્યા પછી તે ધ્યેય સુધી પહોંચવાનું આયોજન જરૂરી છે. એન્ટની ડીસેન્ટે કહ્યું છે, ‘આયોજન વગરનું પ્લાનિંગ એક આશા માત્ર છે.પીટર ડ્રકરે પણ એવું જ કહ્યું છે, ‘આયોજનને ઝડપથી અમલમાં ન મૂકવામાં આવે તો તે માત્ર એક સારો ઉદ્દેશ બનીને રહી જાય છે.પ્લાન પરફેક્ટ હોવો જોઇએ એવું કહેવાય છે પણ, હકીકતમાં કોઇ પ્લાનિંગ ફુલપ્રૂફ હોતું નથી. ખરાબ પ્લાનિંગ જ એકમાત્ર એવી ચીજ છે, જેને બદલી શકાય નહીં. સારા પ્લાનિંગમાં સતત સુધારા-વધારા આવશ્યક અને આવકાર્ય હોય છે. આપણે આપણાં એંસી ટકા કામ એવાં કરીએ છીએ જે લક્ષ્યની સિદ્ધિ તરફ લઇ જતાં નથી. સો, પ્લાન યોર સેલ્ફ.
થિંક બિગ
થિંક બિગ. આજના જમાનામાં સફળતાનો આ મૂળ મંત્ર છે. હિતોપદેશમાં કહેવાયું છે, ‘જે સમર્થ છે, તેના માટે કોઇ લક્ષ્ય મોટું નથી. જેને ધંધો કરવો છે, તેના માટે કોઇ સ્થળ દૂર નથી.કલાઉડ બિસ્ટ્રોલે કહ્યું છે, ‘મોટા બનવા માટે મોટું વિચારવું પડે.તમારી સફળતાની સાઇઝ તમારા વિચારને અનુરૂપ હશે. નાનું વિચારીને ક્યારેય મોટી સફળતા મળી શકતી નથી. પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેએ કહ્યું હતું, ‘સફળતાની સંભાવનાઓનાં દ્વાર ખોલવા માટે મોટું અને અલગ વિચારવું પડે.મોટું વિચારનાર પ્રજા મહાન બને છે. સફળ માણસ કે સફળ પ્રજાની સફળતા પાછળ તેનું બિગ થિંકિંગ પડેલું હોય છે. મોટું વિચારનાર આઉટ ઓફ ધી બોક્સ વિચારી શકે. બીજાથી અલગ વિચારી શકે, પરંપરાને તોડી શકે. સો, થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર.
આળસ ત્યજો
આલસ્ય મહા બલમ્ એવું કહેવાય છે. ચાણકયએ કહ્યું છે, ‘આળસુ વ્યક્તિ પોતાને મળેલી વસ્તુની પણ રક્ષા કરી શકતો નથી.માણસ હંમેશાં કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેમાંથી બહાર આવવાનું મુશ્કેલ છે, અશક્ય નથી. આળસ અને આજનું કામ કાલે કરવાની ઠેલણવૃત્તિ સફળતાનો સૌથી મોટો શત્રુ છે.કલ કરે સો આજ કર, આજ કરે સો અભીએવું સૂત્ર આપણે ગોખી લીધું છે પણ તેનો અમલ કરવામાં આળસ કરતા રહીએ છીએ. સફળતા મેળવવી હોય તો રાત-દિવસ જોયા વગર મંડી પડવું પડે. સફળ વ્યક્તિ કરોડો કમાયા પછી પણ પગ વાળીને બેસતો નથી કારણકે આળસ તેમના સ્વભાવમાં હોતી નથી. એટલે, સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય. સો, કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન.
રિલેશનશીપ
મને મિત્રોથી ભય ન રહે, મને શત્રુઓથી ભય ન રહે.અદભૂત વાક્ય છે આ અથર્વવેદનું. શત્રુઓથી ભય ન રહે એવું વરદાન તો સામાન્ય છે, મિત્રોથી ભય ન રહે એવું કહેવું તે અસામાન્ય છે. નવા યુગના મેનેજમેન્ટમાં રિલેશનશીપ સૌથી વધુ મહત્વની બાબત છે. તમારા સાથી કર્મચારીઓ અને તમારી નીચેના કર્મચારીઓ સાથેની રિલેશનશીપ, તમારા કલાયન્ટ્સ અને તમારા વેન્ડર્સ સાથેની રિલેશનશીપ અને ગ્રાહકો સાથેની રિલેશનશીપ ધંધામાં પ્રગતિ માટે અનિવાર્ય પરિબળ છે. સંબંધો પર દુનિયા ટકેલી છે એ વાક્ય અત્યારે કદાચ સૌથી વધુ રિલેવન્ટ છે. પછી તે સંબંધો સામાજિક હોય કે વ્યાવસાયિક. એટલે, ડેવલપ ગુડ રિલેશનશીપ.
હાર્ડવર્ક
સિંહ સામર્થ્યમાં અતુલ્ય છે. છતાં સૂતેલા સિંહના મુખમાં હરણાં આપોઆપ પ્રવેશી જતાં નથી, સિંહે પણ શિકાર માટે ઉધ્યમ કરવો પડે છે. માત્ર મનના ઘોડા ઘડવાથી કાર્ય પૂરા થતાં નથી, તેના માટે હાર્ડવર્ક જરૂરી છે. જે માણસ પોતાનું કામ નિષ્ઠાથી કરતો નથી તે નસીબને દોષ દે છે. મર્દ કા નસીબ ઉન કે હાથોં કી લકીરોં મેં નહીં, ઉનકી બાહુઓ મેં હોતા હૈએવો ફિલ્મી ડાયલોગ પણ સુભાષિતથી કમ નથી. કોઇ વ્યક્તિ તમારી નિંદા કરીને તમારું નામ બગાડી શકે પણ, તમારું કામ બગાડી શકતો નથી. તમારું કામ એક જ વ્યક્તિ બગાડી શકે, અને એ છે, તમે પોતે. તમે મહેનત કરો, પુરુષાર્થ કરો તો કોઇ કામ અશક્ય નથી. હોમરે કહ્યું છે, ‘પુરુષાર્થ બધી બાબતો પર વિજય મેળવી શકે છે’. ઐતરેય બ્રાહ્નણમાં લખાયેલું સુભાષિત છે: સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે, જે ચાલતો રહે છે તેનું ભાગ્ય ગતિશીલ રહે છે’. સો, બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ.
ડિસિઝન
કુમાર સંભવમાં કાલીદાસે કહ્યું છે, જે દ્રઢ નિર્ણય કરે છે તેના મનને અને ઢાળ તરફ વહેતા પાણીને કોણ રોકી શકે? નિર્ણય લેવાની કળા, ડિસિઝન મેકિંગ કોઇપણ વ્યવસાયની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે. એક ખોટો નિર્ણય, એક મોડો નિર્ણય ધંધાની, નોકરીની દિશા બદલી નાખી શકે. નિર્ણય મોડો કે વહેલો નહીં, યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે. ભવિષ્યની તકોનું આકલન કરીને, વર્તમાન પરિસ્થિતિનું ગણિત માંડીને લેવાયેલો પરપિકવ નિર્ણય જ લાભકારી નિવડે છે. માણસે જીવનમાં, ધંધામાં, નોકરીમાં વારંવાર નિર્ણયો લેવા પડે છે અને તે નિર્ણયો તેની સફળતા નક્કી કરતા હોય છે. શતરંજની રમતમાં જેમ વિવિધ પાસાં વિચાર્યા પછી સૌથી સારી ચાલ ચાલવાની હોય તે જ રીતે નિર્ણયો લેવાની પ્રક્રિયા થવી જોઇએ. નાઉ, મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ.
નબળાઇઓને જાણો, નિવારો
પોતાની નબળાઇઓની જાણ બીજાને ન કરવી એવું ચાણકયએ કહ્યું છે. પણ, તે પહેલાં પોતાની નબળાઇઓ જાણવી જરૂરી છે. પોતાના ધંધાની નબળી કડીઓ જાણવી જરૂરી છે. આ જમાનામાં નબળાઇઓને છુપાવી શકાય એવું રહ્યું નથી એટલે, ચાણકયથી થોડું આગળ વધીને એવું કહેવું પડે કે પોતાની નબળાઇઓને છુપાવવાને બદલે સુધારો. જે માણસ પોતાની નબળાઇઓને જોઇ શકતો નથી તે સફળ થતો નથી. ધંધામાં કે વ્યક્તિગત જીવનમાં, નબળાઇઓ શોધતા આપણે ડરીએ છીએ. પણ, એ પલાયનવૃત્તિ છે. પોતાની નબળાઇઓ સફળતા સામે જોખમ બનીને ઊભી રહે તેના કરતાં તો તેને ઓળખીને દૂર કરવી વધુ યોગ્ય છે. લેટ્સ, હેવ અ લૂક વિધિન.
નેવર ગિવ અપ
વિન્સ્ટન ચર્ચિલ એક શાળામાં ભાષણ કરવા ગયા ત્યારે બધાને હતું કે તેઓ રાજકીય વાતો કરશે અને બાળકોને કશું સમજાશે નહીં. ચર્ચિલે તે સભામાં કહ્યું, નેવર ગિવ અપ. નેવર નેવર નેવર. અને આ સભાને આજ દિવસ સુધી યાદ રાખવામાં આવે છે. નીતિ શતકમાં ભર્તુહરિએ લખ્યું છે, ઉત્તમ પુરુષો આરંભેલા કાર્યને ક્યારેય છોડતા નથી. પડકારો આવે, ક્યારેક પીછેહઠ કરવી પડે એવું જીવનમાં વારંવાર બનશે. પણ, પોતાનું ધ્યેય ન છોડવું. મોટાભાગે એવું બને છે કે નાનકડી પછડાટ, નાનકડી પીછેહઠ, નાનકડો પરાજય મળતાં જ માણસ હતોત્સાહ થઇને કામ છોડી દે છે. જે આવા વિપરિત સંજોગોમાં પણ કામ છોડતા નથી તેઓ સફળ માણસોની યાદીમાં બિરાજે છે. સો, નેવર ગિવ અપ, નેવર નેવર નેવર.
બી એનજેઁટિક
નિરુત્સાહથી માણસનું જ નહીં, તેના ભાગ્યનું પણ પતન થાય છે. ઉત્સાહથી ભરપુર, એનજેઁટિક માણસ પોતાની આજુબાજુના વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. કોઇપણ કામ ઉત્સાહથી કરવામાં આવે તો તેનું પરિણામ અદભૂત મળે છે. વર્કપ્લેસ ઉત્સાહથી થિરક્તી હોય એવું વાતાવરણ દરેક કંપની ઇચ્છતી હોય, દરેક અધિકારી ઇચ્છતો હોય. ઉત્સાહ માટે અનેક પરિબળો જરૂરી છે. સારું વળતર, સારી રિલેશનશીપ, સારી સંભાળ, સારું વાતાવરણ, સારી પ્રસંશા વગેરે વગેરે. પણ, વાસ્તવમાં ઉત્સાહ માણસના મનમાંથી જન્મે છે. કામ પ્રત્યે જેને પ્રેમ હોય એ ગમે તેવા વાતાવરણમાં ઉત્સાહથી કામ કરતો રહે છે. એટલે , કોઇપણ ઓફિસમાં એવા એક-બે જ માણસ હોય છે, જે ઉત્સાહથી થનગનતા હોય છે. સો, બી એનજેઁટિક, ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ.
..સેટ યોર ગોલ નાઉ. ધ્યેય સ્પષ્ટ હશે તો જ આગળની મુસાફરી શક્ય બનશે.
-પ્લાન યોર સેલ્ફ. ધ્યેય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવાનું આયોજન જરૂરી છે.
-થિંક બિગ, થિંક ડિફરન્ટ, થિંક લાઇક અ વિનર. બીજાથી અલગ વિચારો.
-કમ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. સ્વભાવ એવો કેળવો જે આળસવિહીન હોય.
-ડેવલપ ગુડ રિલેશનશીપ. સંબંધો પર દુનિયા ટકેલી છે.
-બિગિન હાર્ડવર્ક ટુવર્ડ્સ યોર ગોલ. તમે પુરુષાર્થ કરો તો કંઇ અશક્ય નથી.
-મેક ડિસિઝન્સ, પ્રોપર્લી એન્ડ ફાસ્ટ. નિર્ણય યોગ્ય સમયે લેવાય તે જરૂરી છે.
-હેવ અ લૂક વિધિન. પોતાની નબળાઇઓ છુપાવવાને બદલે સુધારો.
-નેવર ગિવ અપ, નેવર. ભલે ક્યારેક પીછેહઠ કરવી પડે પણ ધ્યેય ન છોડવું.
૧૦
       -બી એનજેઁટિક. ફ્યુચર ઇઝ વેઇટિંગ ફોર યુ

No comments:

Post a Comment