કેન્દ્રીય શિક્ષણમંત્રીની કુલપતિઓને સાંત્વના કે સલાહ?
ગુજરાતની સરકારી યુનિ.ઓમાં પુરતો સ્ટાફ ન હોઈ કાયમી સ્ટાફ ભરવા રાજ્યપાલની સરકારને
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલ દ્વારા રાજ્યની તમામ યુનિ.ઓના કુલપતિઓને એક બેઠક બોલાવાઈ હતી.જેમાં ઉપસ્થિત રહેલ સ્મૃતિ ઈરાનીએ કુલપતિઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે યુનિવર્સિટીઓમાં રહેલી સારી બાબતોને સમાજ સમક્ષ લાવવાની જરૃર છે અને યુનિ.ઓ રેન્ક પાછળ દોડવાની જરૃર નથી.આજે વિદેશની અનેક યુનિ.ઓ વર્લ્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં ૪૦થી૫૦ હજાર ડોલરમાં રેન્ક મેળવી લેતી હોય છે ત્યારે તેના અંજાઈ જઈને રેન્ક માટે ગભરાવાની જરૃર નથી.મહત્વનું છે કે સ્મૃતિ ઈરાનીના આ નિવેદનને કુલપતિઓ માટે સાંત્વના સમજવી કે સલાહ તે એક પ્રશ્ન છે કારણકે જો કેન્દ્રિય શિક્ષણમંત્રી જ યુનિ.ઓને નેક એક્રેડિટેશન માટે પ્રોત્સાહીત ન કરે તો ગુણવત્તા કઈ રીતે સુધરશે?
તાજેતરમાં ગુજરાતના નવા રાજ્યપાલ પદે ઓમપ્રકાશ કોહલી નિયુક્ત થયા હોઈ અને તેઓ સ્ટેચ્યુટ પ્રમાણે રાજ્યની તમામ સરકારી યુનિ.ઓના કુલાધપતિ પણ કહેવાય છે ત્યારે નિયુક્તિ બાદ તેઓને રાજ્યની તમામ યુનિ.ઓનું શૈક્ષણિક માળખું સમજવુ હોય રાજ્યપાલ દ્વારા તમામ યુનિ.ઓના કુલપતિઓની આજે બેઠક બોલાવાઈ હતી.કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી પણ આ કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે ગવર્નર હાઉસમાં મળેલી આ આખા દિવસની કોન્ફરન્સમાં રાજ્યની સરકારી તેમજ પ્રાઈવેટ સહિતની તમામ યુનિ.ઓના કુલપતિ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની યુનિ.ઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બેઠકમાં યુનિ.ઓના કોમન ઈસ્યુસ તેમજ યુનિ.ઓની નવી પહેલ,પડકારો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરવામા આવી હતી.કોન્ફરન્સમાં તમામ કુલપતિઓ સમક્ષ કેન્દ્રિય શિક્ષણ મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ સંબોધન પણ કર્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિ.ઓમાં અનેક સારી બાબતો રહેલી છે પરંતુ આપણે લોકો સમક્ષ તેને લઈ નથી જતા આપણે સારુ પીઆરશીપ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોને ધ્યાને લાવવાને બદલે સારી બાબતોને ધ્યાને લાવી જોઈએ.ઉપરાંત યુનિ.સ્તરે વધુને વધુ વિદ્યાર્થીઓને રીસર્ચ ક્ષેત્રે પ્રોત્સાહીતકરવા જોઈએ અને તે માટે ખાસ ટીચર્સ ટ્રેનિંગ પર ભાર આપવામા આવે. આ સંબોધનમાં સ્મૃતિ ઈરાની એવું પણ બોલી ગયા કે યુનિ.ઓને નેક એક્રિડિટેશન અને રેન્કિંગ બાબતે ચિંતા કરવાની જરૃર નથી.આજે દેશ અને દુનિયામા અનેક યુનિ.ઓ એવી છે કે જેઓને પૈસાથી રેન્ક મળી જાય છે.વિદેશોમાં ૪૦ હજાર ડોલરમાં વર્લ્ડ એક્રેડિટેશન કાઉન્સિલમાં રેન્ક મળી જાય છે ત્યારે આવી યુનિ.ઓથી આપણે અંજાવાની જરૃર નથી અને તેમની શ્રેષ્ઠતા સુધી ભલે ન પહોંચાય તો ચિંતા કરવાની જરૃર નથી.રેન્ક ન મળે તો યુનિ.ઓએ ડરવાની જરૃર નથી.આમ સ્મૃતિ ઈરાનીએ આ વાત કરીને કુલપતિઓને વિદેશી યુનિ.ઓ જેવા સારા રેન્ક ન મળતા સાંત્વના આપી હતી કે સલાહ આપી હતી તે એક મુંઝવણ પેદા કરી તેવી વાત છે.કારણકે આજે યુનિ.ઓને નેક એક્રેડિટેશ માટે આગળ લાવવી પડશે તો જ ગુણવત્તા વધે તેમ છે. જ્યારે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ કહ્યું હતું કે સરકારી યુનિ.ઓ અને પ્રાઈવેટ યુનિ.ઓ વચ્ચે શૈક્ષણિક તાલમેલ સર્જાવું જોઈએ અને તમામને સમાન શિક્ષણ મળવું જોઈએ.આ ઉવરાંત તેઓએ રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે અનેક યુનિ.ઓમાં સ્ટાફની અછત છે અને તેના લીધે શિક્ષણ પર ખરાબ અસર પડે તે સારી બાબત નથી.સ્ટાફ સહિતની અસુવિધાઓ શિક્ષણને આડે મુશ્કેલી ન બનવી જોઈએ.એડહોક અને કોન્ટ્રાકટ સ્ટાફ ભરવાને બદલે કાયમી સ્ટાફ ભરાવો જોઈએ.