Dec 18, 2014

મુશ્કેલીઓની મહેરબાની

 

Success
દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને. સફળતાનો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હોય છે. જેટલું ઊંચું નિશાન તેટલી વધારે મુશ્કેલીઓ. બેંકમાં ક્લાર્કની નોકરી જોઈતી હોય તો જે મુસીબતોનો સામનો કરવાનો આવે તેનાથી બિલકુલ અલગ પ્રકારની મુસીબતો જો તમારે દેશના પ્રધાનમંત્રી થવું હોય તો આવે. ખાલી ગ્રેજ્યુએટ થવું હોય તો રસ્તો આસાન છે પણ જો વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત (આઈવી લીગ) યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવી હોય તો મક્કમ મનોબળ અને અથાગ પ્રયત્નોની જરૂર પડે. કોઈએ જિંદગીમાં કેટલી તકલીફો વેઠી છે તે જોઈએ તો ખ્યાલ આવે કે તે વ્યક્તિએ જિંદગીમાં ઊંચી સફર કેવી રીતે કરી છે.
ઘણા લોકોને વાત કહેતાં સાંભળ્યા છે કે, મેં મારી જિંદગીમાં કાયમ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.' અથવા 'મારા નસીબમાં કાયમ તકલીફો અને વિટંબણાઓ જ લખાયેલી છે.' આવું કહેનારા ભલે તકલીફોને નકારાત્મક રીતે જોતા હોય પણ ખરેખર તો આપણી દરેક મુશ્કેલી આપણા પોતાના માટે નક્કી કરેલાં ઊંચાં નિશાનોને કારણે જ છે. જ્યારે વિદ્યાર્થી ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવવાનો ટાર્ગેટ રાખે ત્યારે પોતાના વિષયની કોઈ પણ બાબતમાં જરા પણ નબળાઈથી ગુંજાઈશ રહેતી નથી. આપણે રોજનું ૧ કિમી ચાલવું હોય તો જે પડકારો આવે તે મેરેથોન દોડવાના પડકારોની સામે સાવ નગણ્ય ગણાય.
અમિતાભ બચ્ચનની ૭૦મી વર્ષગાંઠે કોઈએ તેમને પૂછયું કે તમે તમારા દીકરાને તમારી જિંદગીમાંથી શીખેલો કયો ઉપદેશ જણાવશો? અમિતાભે જવાબ આપ્યો કે મારે એક વાક્યમાં ઉપદેશ આપવાનો હોય તો હું તેને કહીશ કે 'અપની મરજી કા હૈ તો અચ્છા ઔર અપની મરજી કા ના હો તો ઉસસે ભી અચ્છા.' આપણી બધી મુશ્કેલીઓ એટલે આપણી મરજીથી વિરુદ્ધ મળતાં પરિણામો જ છે. આપણે માનતા હોઈએ કે આઈ આઈએમમાં પહેલા પ્રયત્ને પ્રવેશ મેળવી લઈશું અને જો પહેલી વખત ચાન્સ ના લાગે તો તે મુશ્કેલીનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છે અને તેમાંથી બોધપાઠ લઈ બીજા પ્રયત્ને કેવી રીતે કમર કસી લઈએ છીએ તે ઉપર જ આપણી સફળતાની શક્યતાઓ અવલંબે છે.
દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને. જે પણ ટાર્ગેટ નક્કી કરીએ તે સાથે તે ટાર્ગેટ માટેના પડકારો જોડે જ આવે છે. જો આપણે વજન ઘટાડવું હોય તો જીભના સ્વાદ છોડી દેવાનો પડકાર જોડે જ આવે છે. જો ખંતપૂર્વક કામ કરવું હોય તો મિત્રોને છોડી, ફિલ્મોનાં પ્રલોભન છોડી અને ચોપડી પકડવાનો પડકાર સાથે જ આવે છે. આપણે જો નીચા બેઠા રહેવું હોય તો કોઈ પડકાર ઝીલવાની જરૂર નથી પણ જો પર્વત પર ચઢવું હોય તો તેના પડકારો છે જ. ઘરની બહાર નીકળવું હોય તો ટ્રાફિક જામ ફેસ કરે જ છૂટકો. પૈસા કમાઈએ તો સાથે ઇન્કમટેક્સ ભરવાનો પડકાર પણ આવે છે.
મુશ્કેલીઓ વિનાની જિંદગી એટલે નિરસ અસ્તિત્વ અને પ્રગતિના નામે મીંડું. તમે જો અત્યારે જિંદગીમાં તકલીફો વેઠી રહ્યા હો અને પડકારો ઝીલી રહ્યા હો તો જરા પણ નાસીપાસ થશો નહીં. તમારા પડકારો જ કહે છે કે તમે ઊંચાં નિશાન તાક્યાં છે. ગભરાઇને પડકારો નિશાન નીચાં કરશો નહીં. પડકારો વિનાની જિંદગી માંગશો નહીં. તકલીફો પ્રગતિનું પ્રતીક છે.
તમારું જીવન સાવ સરળ અને પડકાર વિનાનું તો નથીને? જો હોય તો નિશાનોને થોડાં ઊંચાં કરજો અને મંઝિલોને મહત્ત્વકાંક્ષાથી પહોંચવાનો પ્રયાસ શરૂ કરજો. આ સફળતાનો પ્રવાસ છે.
હિંમત રાખો
અબ્રાહમ અમેરિકાના એક સાધારણ મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ્યા હતા. મા-બાપની નાણાકીય સ્થિતિ સારી નહીં હોવાના કારણે તે પોતાની ભણવાની ધગશ પૂરી કરવા જુદી જુદી જગ્યાઓથી પુસ્તકો માંગી લાવતા. ઘણી વાર પુસ્તકો માંગતા, પુસ્તકોની જગ્યાએ અપમાન પણ સહન કરવા પડતાં પણ તેઓ હિંમત હારતા નહીં. દરેક મુશ્કેલીએ તે ટોચ પર પહોંચવાનો નિર્ણયને મક્કમ બનાવતા. વાંચવા માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ પૈસા બચાવવા માટે કરતા. ભણ્યા પછી મજૂર તરીકે વહાણમાં માલસામાન ચઢાવવા ઉતારવાની મજૂરી કરતા તો ક્યારેક વળી કોઈ ઓફિસમાં નોકરી કરી પોતાનું પૂરું કરતા. આ બધા વચ્ચે પણ તેની દરેક મુશ્કેલીએ તેમને મજબૂત બનાવ્યા અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અબ્રાહમ લિંકને લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનું અદ્ભુત કામ કર્યું. તેમણે તેમના જાણીતા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલીઓ ના પડી હોત તો કદાચ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સદ્ભાગ્ય કદી પ્રાપ્ત ના કરત.