Dec 2, 2014

એક રાજાના ત્રણ પ્રશ્નોનો સાચા જવાબો.

એક રાજાના  ત્રણ પ્રશ્નોનો સાચા જવાબો.
એક રાજાને ત્રણ પ્રશ્નોનો સાચો જવાબ મળતો નહોતો.
[1] કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય કયો ?
[2] પોતાની સાથેના માણસોમાંથી કોને સાંભળવા અને કોને પડતા મૂકવા ?
[3] સામે પડેલા કામમાંથી કયું કામ સૌથી વધુ અગત્યનું છે ?
જો આ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ તેને મળી જાય તો હાથ પર લીધેલું એકેય કામ નિષ્ફળ ન જાય એવું તેને લાગ્યું. તેથી આ ત્રણે પ્રશ્નોનો સાચો જવાબ આપનાર માટે રાજાએ મોટું ઈનામ જાહેર કર્યું. આખા રાજ્યમાં દાંડી પિટાવી ઈનામ જાહેરાત કરી દેવામાં આવી.
રાજાના દરબારમાં દેશવિદેશથી વિદ્વાન પંડિતો આવવા લાગ્યા. દરેકે રાજાના ત્રણે સવાલના જુદા જુદા જવાબ આપ્યા. પહેલા સવાલના જવાબમાં કેટલાક પંડિતોએ કહ્યું કે, ‘કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય પંચાંગ જોઈને નક્કી કરવો જોઈએ. પંચાગમાં દિવસો, મહિના તથા વર્ષોના કોઠાઓ અગાઉથી તૈયાર કરી રાખેલા હોય છે. એની મદદથી કોઈ પણ કામ શરૂ કરવા માટેનું શુભ મુહૂર્ત જોઈને તે સમયે કામ શરૂ કરવું જોઈએ. મુહૂર્તના નિયમનું ચુસ્તપણે પાલન થવું જોઈએ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. બીજા પંડિતોએ એમ કહ્યું કે, કયું કામ ક્યારે કરવું એ અગાઉથી નક્કી કરવાનું શક્ય નથી. મુહૂર્તની રાહ જોવામાં વખત બગાડવાનો પણ કંઈ અર્થ નથી. એટલે રાજાએ જે કાંઈ બનાવો બનતા હોય તે જોતા રહેવું જોઈએ અને તે પરથી જે સમયે જે કામ અગત્યનું લાગે તે પોતાના બુદ્ધિનિર્ણય મુજબ શરૂ કરી દેવું જોઈએ.
બીજા કેટલાક પંડિતોને આ વાત પણ બરાબર ન લાગી. તેમનું કહેવું એમ હતું કે, રાજા રાજ્યનાં બધાં કામકાજ પર ધ્યાન રાખે અને જે કામ તેને કરવા જેવું લાગે તે કામ તેની મરજી આવે ત્યારે શરૂ કરી દે એ બરાબર ન ગણાય. તેઓ એમ માનતા હતા કે આવો નિર્ણય રાજા એકલો લઈ લે તે બરાબર નથી. એટલે રાજાએ રાજ્યના ડાહ્યા માણસોનું એક મંડળ રચવું જોઈએ અને એ સલાહકાર મંડળની સલાહ પ્રમાણે તેણે કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરવો જોઈએ.
કેટલાક પંડિતોએ રાજાને સલાહ આપવા માટે આવું સલાહકાર મંડળ રચવાની વાતને તદ્દન અવહેવારુ ગણાવી. તેમની દલીલ એ હતી કે, રાજાને ઘણાં કામો કરવાનાં હોય છે. આમાં કેટલાંક કામો એવાં હોય છે જેમાં રાજાએ તરત નિર્ણય લેવો પડે. આવી રીતે તાત્કાલિક નિર્ણય લેવાનો થાય ત્યારે રાજા સલાહકાર મંડળની સલાહ લેવા માટે નિર્ણય લેવાનું મોકૂફ રાખે એ કેવું કહેવાય ? આ પંડિતવર્ગનું કહેવું એમ હતું કે આવા સલાહકાર મંડળને પૂછવા કરતા કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં ભવિષ્યમાં શું બનવાનું છે તે અગાઉથી જાણી લેવું જોઈએ. તે જાણ્યા પછી કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરી તે સમયે કામ શરૂ કરવું જોઈએ. જાદુગરોને ભવિષ્યમાં શું બનવાનું છે તેની માહિતી હોય છે. એટલે સલાહકાર મંડળને બદલે કોઈ એક સારા જાદુગરને રાજાએ પોતાની સાથે રાખવો જોઈએ અને તેની સલાહ પ્રમાણે કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરવો જોઈએ.
બીજો સવાલ પોતાની સાથેના માણસોમાંથી રાજાએ કોને અગત્યના માણસમાં ગણતા તે હતો. આના જવાબમાં પણ એકમત નહોતો. કોઈએ દરબારીને, કોઈએ ધર્મગુરુઓને, કોઈએ વૈદરાજને, તો કોઈએ શૂરવીર યૌદ્ધાઓને રાજાએ અગત્યના માણસ ગણવા જોઈએ એવું કહ્યું. ક્યા કામને અગત્યનું ગણવું જોઈએ એવા ત્રીજા સવાલના જવાબમાં કેટલાક પંડિતોએ કહ્યું કે વિજ્ઞાન અને તેનો વિકાસ આ જમાનામાં સૌથી અગત્યનો ગણાય. બીજા કેટલાકનું માનવું એવું હતું કે યુદ્ધ લડવામાં નિપુણતા કેળવવી એ સૌથી અગત્યનું ગણાવું જોઈએ. કેટલાકે ફરી પાછી, એની એ વાત કરી : ધાર્મિક પૂજાપાઠ સૌથી અગત્યનાં ગણાવાં જોઈએ. આમ દરેક સવાલના જુદા જુદા જવાબ મળતાં રાજાએ તેમાંથી એકેય જવાબને માન્ય રાખ્યો નહીં. એટલે ઈનામ પણ કોઈને મળ્યું નહીં. આમ છતાં એને મૂંઝવતા ત્રણ સવાલના જવાબ મેળવવાની ઈચ્છા તેના મનમાંથી દૂર થઈ નહીં. આખરે તે જવાબ મેળવવા માટે તેણે પોતાના ડહાપણ માટે ખૂબ જાણીતા એવા એક સાધુને મળવાનું નક્કી કર્યું. આ સાધુ શહેર નજીક આવેલા જંગલમાં રહેતા હતા અને જંગલ છોડીને ક્યારેય શહેરમાં આવતા નહોતા. વળી, તેઓ હંમેશા સામાન્ય માણસોને જ મળતા. એટલે રાજા વેશપલટો કરીને સાધુને મળવા નીકળ્યો.
ગુફા નજીક આવતાં તે ઘોડા પરથી ઊતરી ગયો અને પોતાના સિપાઈઓને ત્યાં થોભાવી તે સાધુ મહારાજની ગુફા તરફ ચાલી નીકળ્યો. રાજા ગુફા પાસે પહોંચ્યો ત્યારે સાધુ મહારાજ તેમની ઝૂંપડી સામેની જમીન ગોડતા હતા. રાજાને જોતાં જ તેમણે તેને આવકાર આપ્યો અને પછી પાછા જમીન ખોદવા લાગી ગયા. સુકલકડી કાયાવાળા આ સાધુ મહારાજની તબિયત નાજુક હતી. તેઓ કોદાળીથી જમીન ખોદતા હતા, પણ કોદાળીના દરેક ટચાકે તેમને ઊંડો શ્વાસ લેવા થોભવું પડતું હતું. રાજા તેમની પાસે ગયા અને પૂછ્યું : ‘સાધુ મહારાજ, હું મને મૂંઝવતા ત્રણ સવાલોના જવાબ મેળવવા માટે તમારી પાસે આવ્યો છું. યોગ્ય વસ્તુ યોગ્ય સમયે શરૂ કરવાનું હું કેવી રીતે જાણી શકું ? કયા માણસો સૌથી અગત્યના ગણાય અને તેથી મારે ક્યા માણસો તરફ વધારે ધ્યાન આપવું જોઈએ ? છેવટે, ક્યાં કામ સૌથી અગત્યના ગણાય – અને મારી પાસે પડેલા કામોમાંથી મારે કયું કામ પહેલા હાથ પર લેવું ?’
સાધુ મહારાજે રાજાના ત્રણે સવાલો ધીરજથી સાંભળ્યા, પરંતુ એકેનો જવાબ આપ્યો નહીં. વાત સાંભળવા જરા થોભ્યા બાદ તેમણે ફરી જમીન ગોડવાનું શરૂ કરી દીધું. મહારાજ થાકેલા જણાતા હતા. તેથી રાજાએ કહ્યું, ‘મહારાજ, તમે થાકેલા લાગો છો. મને કોદાળી આપો, હું તમારા ક્યારા ગોડી આપું.’ મહારાજે રાજાનો આભાર માન્યો અને તેની કોદાળી આપી પોતે આરામ કરવા માટે જમીન પર બેસી ગયા.
રાજાએ બે ક્યારા ગોડી કાઢ્યા અને પછી સાધુ મહારાજને ફરી પાછા પેલા ત્રણ સવાલ પૂછ્યા. આ વખતે પણ મહારાજે કંઈ જવાબ ન આપ્યો. તેઓ ઊભા થયા અને રાજાએ કહ્યું, ‘ભાઈ, મને કોદાળી આપ. તું થોડો આરામ કર અને મને થોડું કામ કરવા દે.’ પરંતુ રાજાએ તેમ કરવાની ના પાડે અને ખોદકામ શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં બે કલાક પસાર થઈ ગયા. સૂરજ ઢળવા લાગ્યો. સૂરજ જંગલની ઝાડીમાં છુપાઈ જવાની તૈયારીમાં હતો તે વખતે રાજાએ ખોદવાનું કામ પૂરું કરી સાધુને કહ્યું, ‘મહારાજ, હું તમારી પાસે મને મૂંઝવતા ત્રણ સવાલોના જવાબ મેળવવા માટે અહીં આવ્યો હતો. સાંજ પડી ગઈ છે. મને જવાબ આપી શકાય એમ હોય તો આપો અને ન આપી શકાય એમ હોય તો તેમ કહો, જેથી હું પાછો ઘરે જાઉં.’
ત્યાં તો સાધુએ રસ્તા તરફ આંગળી ચીંધી કહ્યું : ‘જો, આ કોઈ દોડતું દોડતું અહીં આવી રહ્યું છે. આપણે જોઈએ તો ખરા કે એ કોણ છે ?’
રાજાએ રસ્તા તરફ જોયું તો એક દાઢીવાળો માણસ દોડતો દોડતો તેઓ ઊભા હતા તે તરફ આવતો હતો. એ માણસે તેના બંને હાથ પેટ પર દબાવી રાખ્યા હતા. અને તેથી છાતીમાંથી લોહી વહેતું હતું. તે સીધો રાજા ઊભો હતો ત્યાં આવ્યો અને રાજાના પગમાં ઢળી પડ્યો. તે માણસ લગભગ બેહોશ થઈ ગયો હતો. રાજાએ અને સાધુએ મળી તેથી છાતી પરનાં કપડાં કાઢી નાખ્યાં. તેની છાતીમાં ઊંડો ઘા પડેલો હતો. રાજાએ તેનાથી બને તેટલી સારી રીતે એ ઘાને સાફ કર્યો અને પછી તેના પર પોતાનો હાથરૂમાલ મૂકી, સાધુએ આપેલા મોટા કપડાનો પાટો બાંધી દીધો, પરંતુ ઘા ઊંડો હોવાથી લોહી વહેતું બંધ થયું નહીં. થોડી વારમાં તો આખો પાટો ગરમ લોહીથી ભીનો થઈ ગયો. રાજાએ પાટો છોડી નાખી કોરો કરી, ફરી બાંધ્યો. આવું બે-ત્રણ વાર કર્યું ત્યારે લોહી વહેતું બંધ થયું. થોડી વારમાં એ માણસ જરા ભાનમાં આવ્યો અને ભાનમાં આવતાંવેંત તેણે પીવા માટે પાણી માગ્યું. રાજા તાજું પાણી લઈ આવ્યો અને તેને પાયું. દરમિયાનમાં સૂરજ આથમી ગયો હતો અને વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. રાજાએ સાધુની મદદથી પેલા માણસને ઊંચકી લીધો અને સાધુની ઝૂંપડીમાં લઈ જઈ તેને પથારી પર સુવડાવી દીધો. પેલો માણસ પથારીમાં આંખો બંધ કરીને શાંતિથી પડી રહ્યો હતો. રાજા તેની સારવાર માટે તેની પાસે બેઠો હતો પણ આખા દિવસની મહેનતના થાકના કારણે તેની આંખોમાં ઊંઘ ઘેરાતી હતી. તેને બેઠાં બેઠાં જ ઊંઘ આવી ગઈ અને તે પથારીની પાસે જ ઢળી પડ્યો. તેને એવી તો ઊંઘ આવી ગઈ કે ઉનાળાની એ ટૂંકી રાત ક્યાં પસાર થઈ ગઈ તેની તેને ખબર સુદ્ધાં ન પડી. સવારે તે ઊઠ્યો ત્યારે તે ક્યાં બેઠો અને તેની સામેની પથારી પર બેઠેલો દાઢીવાળો માણસ તેની સામે ટીકી ટીકીને શું જોયા કરે છે તેની તેને સમજ પડી નહીં. રાજાને ઊઠીને પોતાના તરફ જોતો જોઈ પેલા માણસે હાથ જોડી કહ્યું : ‘મને માફ કરો.’ આ દાઢીવાળો માણસ શા માટે પોતાની માફી માગે છે તે રાજાને સમજાયું નહીં. તેથી રાજાએ કહ્યું, ‘હું તમને ઓળખતો નથી. વળી તમે એવું કંઈ નથી કર્યું જેને માટે મારે તમને માફી આપવી પડે.’
‘તમે મને ઓળખતા નથી, પણ હું તમને ઓળખું છું. તમે મારા ભાઈની જમીન તથા મિલ્કત જપ્ત કરી લીધાં છે તથા તેને ફાંસીની સજા કરી છે. તેનો બદલો લેવા માટે મેં તમારું કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તમે સાધુ મહારાજને મળવા માટે નીકળ્યા તેની મને ખબર હતી અને તમે તમારા સિપાઈઓને મૂકીને એકલા પાછા ફરો તે વખતે તમને પૂરા કરી નાખવાનો દાવ મેં ઘડી રાખ્યો હતો. પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો તોય તમે પાછા ફર્યા નહીં. હું માર્ગમાં ઝાડીમાં છુપાઈ રહ્યો હતો. રાત પડી જતાં ઝાડીમાંથી બહાર નીકળ્યો તે વખતે તમારા સિપાઈઓ મને જોઈ ગયા. તેમણે મને ઓળખી કાઢ્યો અને મને ઘાયલ કર્યો. હું તેમના હાથમાંથી છટકીને અહીં નાસી આવ્યો. અહીં જો તમે મારી યોગ્ય સારવાર ન કરી હોત તો મારા શરીરમાંથી એટલું બધું લોહી વહી જાત કે હું મરી જાત. હું તમને મારી નાખવા નીકળ્યો હતો, પણ તમે મારી સારવાર કરી મારા પ્રાણ બચાવી લીધા. આમ તમે મને નવું જીવન આપ્યું છે. એટલે જો હું જીવું અને તમે મને સ્વીકારો તો આખી જિંદગી તમારી વફાદારીથી સેવા કરીશ. એટલું જ નહીં, મારા દીકરાને પણ તેમ કરવાનું કહીશ.’
પોતાના દુશ્મન સાથે આટલી સરળતાથી સુલેહ થઈ જતાં રાજા ખૂબ રાજી થયો. રાજાએ તેને માફી તો આપી જ, પણ તેના ભાઈની મિલકત પણ પરત કરી દીધી. પોતાના ચાકરો મારફતે રાજવૈદ્યને બોલાવી પેલાની સારવાર કરવા કહ્યું.
પોતાના ઘાયલ મિત્રની રજા લઈ રાજા ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેણે બહાર આવીને જોયું તો સાધુ મહારાજ ગઈ કાલે ખોદીને સરખા કરેલા ક્યારાઓમાં બી વાવી રહ્યા હતા. રાજાએ પાછા ફરતાં પહેલાં પોતાનાં ત્રણ સવાલોના જવાબ માટે ફરી એક વાર સાધુ મહારાજને વીનવી જોવાનું નક્કી કર્યું. સાધુ મહારાજ પાસે જઈ તેણે પૂછ્યું, ‘મહારાજ મારા ત્રણ સવાલોના જવાબ તમે આપ્યા નથી. મને મૂંઝવતા એ ત્રણ સવાલોના જવાબ માટે હું તમને છેલ્લી વખત વિનંતી કરું છું.’ સાધુએ રાજા સામે જોઈ કહ્યું : ‘ભાઈ, તારા ત્રણે સવાલના જવાબ મેં આપી દીધા છે.’ રાજા વિચારમાં પડ્યો. તેણે પૂછ્યું : ‘તમે કેવી રીતે મારા સવાલોના જવાબ આપી દીધા તે મને સમજાયું નહીં.’
સાધુએ કહ્યું : ‘જો કાલે તું મારા પર દયા ખાઈ મારા ક્યારાઓ ગોડવા માટે અહીં રોકાઈ ન ગયો હોત તો શું થાત ? તો રસ્તામાં પેલા માણસે તારી પર હુમલો કરી તને ઘાયલ કર્યો હોત. એવું થાત તો તને મારી સાથે ન રહેવા બદલ પસ્તાવો થાત. એટલે તું જ્યારે ક્યારા ખોદવાનું કામ કરતો હતો ત્યારનો સમય તારે માટે સારમાં સારો સમય હતો. હું તારે માટે સૌથી અગત્યનો માણસ હતો તથા મને મદદ કરવી એ તારે માટે સારામાં સારું કામ હતું. પાછળથી જ્યારે પેલો ઘાયલ માણસ આપણી પાસે દોડી આવ્યો અને તેં એની સારવાર કરવા માંડી, તે સમય તારે માટે સૌથી અગત્યનો સમય હતો. કારણ, તે વખતે તેં એની સારવાર ન કરી હોત તો તે તારી સાથે સુલેહ કર્યા વગર જ મરી ગયો હોત. એટલે તારા માટે તે વખતે એ માણસ સૌથી અગત્યનો માણસ હતો અને તે વખતે તેં જે કામ કર્યું તે સૌથી અગત્યનું કામ હતું, સેવાનું કામ હતું.
આ બધા પરથી એક વાત યાદ રાખજે. માત્ર એક જ સમય એવો છે જે સૌથી અગત્યનો છે : વર્તમાન ! તે સૌથી અગત્યનો સમય એટલા માટે છે કે માત્ર તેની ઉપર જ આપણી સત્તા છે. ભૂતકાળ તથા ભવિષ્યકાળ પર આપણી કોઈ સત્તા ચાલતી નથી. બીજું તમારી સાથે જે વખતે જે માણસ હોય તેને તમારે સૌથી અગત્યનો અને જરૂરી માણસ ગણવો જોઈએ. કારણ, તેના સિવાયના માણસ જોડે કામ પડશે જ કે કેમ તે તમે જાણતા નથી. તેથી જે વખતે જે માણસ આપણી સાથે હોય તેને જરૂરી અને અગત્યનો સમજવો. અને એ માણસનું ભલું કરવું તે સૌથી અગત્યનું કામ જાણવું. કારણ આપણી સાથે હોય તેની ભલાઈ કરવી એ આપણું કર્તવ્ય છે. એટલા માટે જ ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે.’રાજાને પ્રશ્નોનો ઉત્તર મળી ચૂક્યો હતો.