આપણે બાળપણ અને યુવાનવયમાં જીવનની સફળતામાં ફક્ત ભણવાની કે અભ્યાસની સફળતાને જ ગણતા હોઈએ છીએ. ખરેખર તો નાનપણમાં, કિશોરાવસ્થામાં
અને યુવાનવયમાં સૌથી વધારે મહત્ત્વનું છે પોતાની જાતને ઓળખવાનું. પોતાને
શું કરવાની મજા આવે છે અને પોતાની શક્તિઓ કયા ક્ષેત્રમાં સૌથી વધારે છે તે
જાણી લઈએ તો તેનાથી જિંદગીભરનો માર્ગ સરળ થઈ જતો હોય છે. આપણે આપણા જીવનનો શરૂઆતનો સમય પોતાની શક્તિઓને ઓળખવાની જગ્યાએ
ખાલી અભ્યાસક્રમ અને શૈક્ષણિક લાયકાત ઊભી કરવામાં જ કરતા હોઈએ છીએ. ખાલી
અભ્યાસક્રમ અને ભણવાની બાબતમાં વધારે પડતું ધ્યાન આપવાથી આપણે આ વર્ષોમાં
આપણી જિંદગીની સાચી દિશા નક્કી કરવાનું ચૂકી જતા હોઈએ છીએ. આપણા વિદ્યાર્થીઓ, કુટુંબીજનો, સમાજ અને આપણા મિત્રો બધા
ખાલી અભ્યાસમાં નિપુણતાને મહત્ત્વ આપીને બાકીની બધી શક્યતાઓને બિલકુલ
નજરઅંદાજ કરતા હોઈએ છીએ. આ કરવાના કારણે એવા લોકો પોતાના માટે બિનઅનુકૂળ
કરિયરમાં ફસાઈ જતા હોય છે. કેટલાય એવા પ્રોફેસર હોય છે જે દરરોજ ભણાવવા
કરતાં વૈજ્ઞાનિક થયા હોત તો દેશની દિશા બદલી શક્યા હોત. કેટલાય એવા લોકો જે
આર્કિટેક્ટ થયા હોય પણ બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય કરવાનો નિર્ણય તો
નાનપણમાં જ લઇ લીધો હોય છે. અભ્યાસમાં સંગીતની વ્યસ્તતાને કારણે ધ્યાન ઓછું
આપો અને કોલેજમાં જવુ ના પડે એવી ઓપન યુનિવર્સિટીમાં અત્યારે બીએનો અભ્યાસ
ચાલ કરી શકાય. આમ, ગ્રેજ્યુએશન જરૂર પૂરું કરવાનું પણ તેમાં કેટલા માર્ક્સ આવે છે તેના કરતાં સંગીતમાં કેવી રીતે આગળ વધાય તે જ ફોકસ કરવો જોઇએ. અમદાવાદના પાર્થિવ પટેલનો પણ તે જ અભિગમ. ક્રિકેટ મહત્ત્વનું
ભણવાનું તેની સાથે જેટલું થાય તેટલું કરવાનું ભણવાનું છોડી દેવાનું નહીં પણ
પોતાની રુચિ પ્રમાણે નક્કી કરેલી કારકિર્દી ઉપર સંપૂર્ણ ફોકસ આપવાનો. આઈઆઈએમ અમદાવાદના એક વિદ્યાર્થીએ એમબીએ કર્યા પછી લાખો રૂપિયાની
નોકરીની ઓફરો ઠુકરાવી પોતાની સંગીતની કારકિર્દી પસંદ કરી અને ફાઈનાન્સ અને
માર્કેટિંગને મૂકીને સંગીતની ક્રિએટિવ આર્ટને પસંદ કર્યું. થોડાં વર્ષોની
મહેનત પછી હમણાં તેમને ફિલ્મોમાં બ્રેક મળ્યો. આઈઆઈએમના ઘણા જાણીતા વિદ્યાર્થી હર્ષા ભોગલેએ ક્રિકેટ અને
સ્પોર્ટ્સમાં રુચિના કારણે મેનેજમેન્ટ છોડી મનગમતા કામમાં મન પરોવ્યું અને
આજે તે સફળ કોમેન્ટેટર તરીકે વિશ્વભરમાં નામના મેળવી ચૂક્યા છે. આપણા સમાજમાં આપણે કેવી રીતે વિદ્યાર્થીને પોતાના રસ અને શક્તિઓ પ્રત્યે જાગૃત કરીએ અને સાચી દિશા લેવાનું બળ આપીએ? સાધારણ
ગ્રેજ્યુએટ થવાના બદલે કેવી રીતે અસાધારણ પ્રતિભાઓને પોતાનાં ક્ષેત્રોમાં
આગળ વધવાનું પ્રોત્સાહન આપીએ. વિદ્યાર્થી અવસ્થામાં ખાલી ભણવાનું આંધળું
ફોકસ છોડી પોતાની કારકિર્દી નક્કી કરવાનું મહત્ત્વ સમજાવીએ તે ભલે પછી
સંગીતમાં હોય, રમતગમતમાં હોય કે ફિલ્મોમાં. આવતા ઓલિમ્પિકમાં જો આપણે અસાધારણ દેખાવ કરવો હોય, ગોલ્ડમેડલ
જીતવા હોય તો આપણા વિદ્યાર્થીઓને બિનશૈક્ષણિક બાબતોમાં સફળતાનાં સ્વપ્નો
જોતાં શીખવાડવું પડશે. આ સ્વપ્નો જ તેમને અસાધારણ સફળતા તરફ લઈ જશે. એક સ્કૂલમાં શિક્ષક જ્યારે પોતાના વર્ગમાં દાખલ થયા ત્યારે જોયું
તો ભણવાની જગ્યાએ એક વિદ્યાર્થિની બાકીના વિદ્યાર્થીઓને ગીતો ગાવાનું
શીખવાડી રહી હતી. શિક્ષકે તે છોકરીને રોકી અને ઠપકો આપ્યો. નાની છોકરીને
ઘણો ગુસ્સો આવ્યો અને તેણે ઘરે ઝનૂનપૂર્વક તેના પિતા પાસે ગીત સંગીતમાં
વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા માંડી. ૭૫ વર્ષની ઉંમરે પણ તે સંગીતની એટલી જ
નિયમિત પ્રેક્ટિસ કરે છે. અભ્યાસ કરતાં સંગીતમાં પોતાની રુચિ અને શક્તિઓને
ઓળખી તેની ઉપર અવિરત કામ કરી સંગીતની દુનિયામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત
કરનારી આ પ્રતિભાનું નામ છે, લતા મંગેશકર.
No comments:
Post a Comment