Sep 28, 2014

IT રિટર્ન ભરવામાં રાહત ૩૦ સપ્ટેમ્બરને બદલે ૩૦ નવેમ્બર સુધી

ફરજિયાત ટેક્સ ઑડિટ રિપોર્ટ કરાવવાને પાત્ર કંપનીઓને

ચેરિટેબલ ટ્રસ્ટ, કો-ઓપરેટિવ સોસાયટીઓ, ક્રેડિટ સોસાયટીઓ તથા ૮૦ IAને ૮૦ IB કંપનીએ

આવકવેરા ધારાની કલમ ૪૪એબી હેઠળ વાર્ષિક રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે હિસાબો ઑડિટ કરાવીને તેની નકલ આવકવેરા ખાતામાં જમા આપવાની જોગવાઈ હેઠળ આવતી કંપનીઓને આગામી ૩૦મી નવેમ્બર સુધીમાં તેમનું રીટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. આ કંપનીઓએ ફોર્મ ૩સીડીમાં તેમના ઑડિટેડ એકાઉન્ટના રિપોર્ટ સાથે રીટર્ન ફાઈલ કરવાના છે. જોકે ૩૦મી સપ્ટેમ્બરથી જેટલું મોડું રીટર્ન ફાઈલ કરશે તે કંપનીઓને વેરાની રકમ પર મહિને એક ટકાના દરે વ્યાજ પણ જમા કરાવવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો ૩૦મી સપ્ટેમ્બર પછી એક દિવસ પણ મોડું રિટર્ન ફાઈલ કરનારી કંપનીને તેમની વેરાની રકમ પર એક મહિના માટે માસિક એક ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. નવેમ્બર મહિનાની પહેલીએ રિટર્ન ફાઈલ કરનારાઓએ બેેે મહિનાનું બે ટકા વ્યાજ ચૂકવવું પડશે.
સીબીડીટીના ૨૬મી સપ્ટેમ્બરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ચેરિટેબલ ટ્રસ્ટે ટેક્સ ઑડિટ ન કરાવવું પડતું હોવાથી તેમણે ૩૦મી સપ્ટેમ્બર જ તેમનું રિટર્ન ફાઈલ કરી દેવું પડશે. તેમણે સામાન્ય ઑડિટ તો બીજાની જેમ જ કરાવવું પડે છે. પરંતુ ટેક્સ ઑડિટ કરાવવું પડતું નથી. તેથી તેમને ૩૦મી સપ્ટેમ્બરે જ રિટર્ન ફાઈલ કરવું પડશે. તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. આ કેટેગરીમાં આવતા ચેરિટેબલ ટ્રસ્ટની જેમ જ કોઓપરેટીવ સોસાયટીઓ અને ક્રેડિટ સોસાયટીઓ કે કંપનીઓ જેમણે ટેક્સ ઑડિટ કરાવવું ન પડતું હોય તેમણે પણ ૩૦મી સપ્ટેમ્બરે જ તેમનું રિટર્ન ફાઈલ કરી દેવું પડશે.
આ જ રીતે જે ખાનગી કંપનીઓનું ટર્નઓવર રૃા. ૧ કરોડથી ઓછું હોય તેમને પણ રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં આપવામાં આવેલા એક્સટેન્શનનો લાભ મળશે નહિ. આ જ રીતે આવકવેરા ધારાની કલમ ૧૦એ અને ૧૦બી તથા કલમ ૮૦ આઈએ અને ૮૦ આઈબી હેઠળની કંપનીઓને પણ તેમનું રિટર્ન ફાઈલ કરવાની લંબાવેલી મુદતનો લાભ મળશે નહિ.
આ કંપનીઓને પણ ટેક્સ ઑડિટ કરાવવું ન પડતું હોવાથી તેમને આ સુવિધા આપવામાં આવી નથી. આ કેટેગરીમાં આવતા જે કરદાતાને ધંધામાં નુકસાન થયું હશે અને ટેક્સ ઑડિટ કરાવવાનું ન આવતું હોય તેવા કિસ્સામાં તેઓ ૩૦મી સપ્ટેમ્બર પછી રિટર્ન ફાઈલ કરશે તો તેમને તેમનો લૉસ કેરિફોરવર્ડ કરવાની તક આપવામાં આવશે નહિ.