Oct 27, 2014

સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીની મેરિટ યાદીના હજુ સુધી કોઈ ઠેકાણા નથી !

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની ભરતી અંગેની પ્રક્રિયા શરૃ કર્યા બાદ પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતા કોઈ પ્રગતિ થવા પામી નથી..!માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગેની મેરિટની યાદીના આજપર્યત કોઈ ઠેકાણા નહીં હોવાને લીધે મંથરગતિએ ચાલી રહેલી શિક્ષણ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા ધો-૯, ધો-૧૦ અને ધો-૧૨ની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી અન્વયે પાંચ મહિના પહેલા વિભાગની ઓનલાઈન ફોર્મ સ્વિકારવા અંગેની કાર્યવાહી આદરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પાંચ મહિના પહેલા ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની પરિપૂર્ણ કરાઈ હતી. પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતા પણ મેરિટ યાદીના કોઈ ઠેકાણા નથી.અર્થાત બહુમૂલ્ય સમય શિક્ષણ વિભાગના હાથમાંથી સરકી ગયો હોવા છતા સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે. શિક્ષણ વિભાગની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી સામે લાયક અને મેરિટમાં આવનારા સંભવિત ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે.