Jan 18, 2015

ત્રણ પાડોશીની જાત્રા (બાળવાર્તા )

બાળ વાર્તા :
એક મહોલ્લામાં એક ઉંદર, એક બિલાડી અને એક કૂતરો રહે. ત્રણેનાં ઘર પાસેપાસે એટલે એકબીજાનાં પડોશી કહેવાય. ત્રણે નવરાં પડે એટલે અલકમલકની વાતો કરે. એકબીજાને ઘરે જાય અને એકમેકને મદદ કરે.
એક વાર એક બાવો ગામમાં આવ્યો. તેની સાથે એક કૂતરો પણ હતો. તે બાવા સાથે ગામેગામ ફરતો હતો. ફરતો ફરતો તે આ શેરીમાં આવ્યો. ત્રણે જણને બાવાનો કૂતરો કહે, "અલ્યાઓ, તમે કદી ગામ બહાર ગયા છો ખરા?"
"ના ભૈ, ગામ બહાર કઈ રીતે જઈએ?" ગામના કૂતરાએ કહ્યું.
"દુનિયા કેવડી મોટી છે એ તમને શી ખબર? ગામ છોડીને બહાર જાવ તો ખબર પડેને? હું તો ડાકોર, મથુરા, વૃંદાવન, કાશી એવાં ઘણાં ધામ ફરી આવ્યો છું."
બિલ્લી કહે, "હેં! આ બધું શું છે? એ અમારા ગામ જેવડાં છે કે નાનાં?"
આ સાંભળી પેલો કૂતરો હસીને બોલ્યો, "તમે આમ જ મરી જવાનાં! આ બધાં જાત્રાનાં ધામ છે ને એમાં કાશી તો મોટું ધામ! જીવનમાં એક વાર જોવા જેવું ખરું."
"ત્યાં જવાય કેવી રીતે?" ચૂંચૂંભાઈએ પૂછયંુ. "પૂછતા પૂછતા જવાનું."
"પણ રસ્તામાં ખાવું શું? રહેવું ક્યાં?" બિલ્લીએ પૂછયું.
"ઘણી ધરમશાળાઓ આવે છે ને ધર્માદાનું ખાવાનુંય મળી રહે છે. લોકો સદાવ્રત ખોલીને બેઠા છે. મારું માનો તો કાશીએ આંટો મારી આવો. મજા પડશે."
ને બાવાનો કૂતરો તો ગયો, પણ આ ત્રણેને વિચાર કરતા કરી દીધા. સાંજે ત્રણે કૂતરાને ઘેર ભેગા થયા. ત્રણેએ છેવટે નક્કી કર્યું કે, કાશીની જાત્રાએ જવું. ત્રણે સાથે હોય તો એકબીજાને હૂંફ રહે. કંઈ મુશ્કેલી આવે તો સાથે હોય તો ઉકેલ જડે.
બે દિવસ પછી ત્રણે જણે ઘરને તાળાં માર્યાં ને નીકળી પડયાં કાશીએ જવા. ગામના નાકે થોડાં કૂતરાં મળ્યાં. પૂછયું, "ક્યાં ઉપડયાં?" ત્રણે સાથે મળી કહે, "કાશીએ દર્શન કરવા અને ગંગામાં સ્નાન કરવા." બધાં કૂતરાં મશ્કરી કરવા લાગ્યાં. "છાનાંમાનાં અહીં જ રહો. ક્યાંક ભૂલા પડશો તો ક્યાંયના નહીં રહો." પણ ત્રણે તો ચાલવા માંડયાં.
એક દિવસ પૂરો થયો. રાત પડતાં એક હોટલ પાસે રાત રોકાયાં. હોટલ વગડામાં હતી. તેણે આ ત્રણને ખાવાનું આપ્યું.
બીજે દિવસે પાછાં ચાલવા માંડયાં. કૂતરો કહે, "કાશી દર્શન કરી મથુરા પણ જઈશું, કેમ બિલ્લીબહેન?"
"હા, એ તો પછી જેવો સમય." પણ ચૂંચૂંમામાના હોશ ઊડી ગયા. તે કહે, "આ તમે ઝડપથી ચાલો પણ મારે કેટલી ઝડપ કરવી? હું તો આટલામાં થાકી ગયો."
કૂતરો બોલ્યો, "ચૂંચૂંભાઈ, અમે ધીમે ધીમે ચાલશું, પણ તમને લીધા વગર આગળ નહીં જઈએ હોં!"
બીજો દિવસ પૂરો થયો. ત્રીજા દિવસે રસ્તામાં એક પંડિત મળ્યા. ત્રણે કહે, "જે શ્રીકિષ્ન પંડિતજી!" પંડિત બોલ્યો, "જે શ્રીકિષ્ન..." કૂતરાએ પૂછયું, "પંડિતજી, કાશી હજી કેટલે રહ્યું?"
પંડિત હસીને કહે, "તમે કાશીએ જવા નીકળ્યા છો? પણ આમ તો તમે બે મહિને પહોંચશો. એટલું બધું દૂર છે." ને પંડિત તો ગયા, પણ ઉંદરભૈના હોશ ઊડી ગયાઃ "હજી બે મહિના! બાપ રે!"
ચૂંચૂં કહે, "કૂતરાભૈ, ઊભા રહો." "શું થયું?" બિલ્લીએ પૂછયું.
"તમે જાવ. હું તો પાછો જાઉં છું." ચૂંચૂં બોલ્યો.
બિલ્લી કહે, "ચૂંચૂંભાઈ, પગપાળા જાત્રા કરવાથી પુણ્ય મળે."
"મારે એવું પુણ્ય નથી કમાવું. મારા ટાંટિયા ટાંઉટાંઉ થઈ ગયા." ને ઉંદરભાઈ ત્યાંથી પોતાને ગામ પાછા વળી ગયા.
કૂતરો ને બિલ્લી આગળ ચાલ્યાં. તેઓ ઉંદરને કમનસીબ માનવા લાગ્યાં. "નસીબદાર હોય એ જ આવી જાત્રા કરી શકે!" બિલ્લી બોલી.
એક અઠવાડિયું પૂરું થયું. ધરમશાળામાં રાતે ઊંઘમાં બિલ્લીએ વિચાર કર્યોઃ "ચાલી ચાલીને હુંય થાકી. આમ તો બે મહિના શીદ ચલાશે?" ને સવારે બિલ્લી કૂતરાને કહે, "કૂતરાભાઈ, મારોય વિચાર પાછા જવાનો છે." કૂતરાએ પૂછયું, "કેમ? શું થયું?" બિલ્લી કહે, "આ તો કાશી બહુ દૂર છે. મારાથી નહીં ચલાય."
કૂતરાએ ઘણું સમજાવી, પણ બિલ્લી એકની બે ન થઈ તે ન થઈ. "બિલ્લીબહેન, તમને જાત્રાનું પુણ્ય મળશે." બિલ્લી કહે, "ઘેર બેઠાં ક્યાં ભજન નથી થતું? તમે જાવ." ને બિલ્લી ઘરના રસ્તે પડી.
કૂતરો એકલો આગળ ચાલ્યો. રસ્તામાં એ ઉંદર અને બિલ્લીની નિંદા કરતો રહ્યો, "આ બેય મૂરખા છે. એમના નસીબમાં કાશીની જાત્રા નહીં લખી હોય. હું તો કાશીએ જવાનો ને ગંગામાં ડૂબકી મારી, મહાદેવનાં દર્શન કરવાનો. ગામમાં પાછો આવીશ ત્યારે મારો વટ પડી જશે હા..."
એક બીજું અઠવાડિયું પસાર થઈ ગયું.
કૂતરો એકલો હતો એટલે એને બીજાં કૂતરાંય હેરાન કરતાં હતાં. ઘણું સમજાવે કે હું કાશીએ જાઉં છું, પણ એ માને ખરાં?
છેવટે કૂતરોય કંટાળ્યો. એને થયું કે બળી આ જાત્રા! આમ એકલા જાત્રાએ જવાની મજા શી? એના કરતાં તો ગામમાં શું ખોટા? સાંજ પડે ઓટલા પર બેસી નિરાંતે અડોશપડોશ જોડે વાતો તો થાય!
ને કૂતરાભાઈ પણ પોતાના ગામના રસ્તે પાછા ફર્યા.

No comments:

Post a Comment