Mar 9, 2015

ઇન્ટરનેશનલ વીમેન્સ ડે

 


યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ તો છેક મોડે મોડે, ૧૯૭૭માં ઇન્ટરનેશનલ વીમેન્સ ડે દર વર્ષે ૮ માર્ચના દિવસે ઊજવવાની ઘોષણા કરી. સત્તાવાર નામ છે યુએન ડે ફોર વીમેન્સ રાઇટ્સ એન્ડ વર્લ્ડ પીસ. આ વિશ્વશાંતિ વળી બીજું એક તૂત છે, જેના ઓઠા હેઠળ તમે કોઈને પણ ઉલ્લુ બનાવી શકો, તમારા ગોરખધંધાનો વિકાસ કરી શકો.
મહિલા દિવસની ઉજવણીની શરૂઆત રશિયામાં કેટલીક મહિલા કામદારોની હડતાળથી થઈ. ૧૯૧૩માં ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે. બીજા વર્ષે માર્ચની ૮મીએ ઊજવાયો, એ દિવસે રવિવાર હતો એટલે ત્યારથી ક્રમશઃ દુનિયામાં આ જ તારીખ અપનાવાઈ. જર્મનીમાં સ્ત્રી મતાધિકાર માટે આ દિવસ ઊજવાતો થયો, પણ મૂળ તો આ દિવસ રશિયાની અને દાયકા પછી ચીનની પેદાશ. બેઉ કમ્યુનિસ્ટ દેશો. સામ્યવાદી મેન્ટાલિટીને માફક આવે એવો આ મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘને કારણે હવે અમેરિકા સહિતના મૂડીવાદી દેશોમાં પણ ઊજવાતો થઈ ગયો. 
વીમેન એમ્પાવરમેન્ટ યાને કે સ્ત્રીને શક્તિશાળી બનાવવાના ઓઠા હેઠળ આ મહિલા દિવસ નિમિત્તે ભલે સ્ત્રીસ્વાતંત્ર્યની અને સ્ત્રીને વધુ ને વધુ હક્કો આપવાની વાતોનાં વડાં થતાં રહે, ગ્રાઉન્ડ રિયાલિટી જુદી જ હોય છે.
ભારતની પ્રાચીન પરંપરામાં ધર્મશાસ્ત્રો ગાઈવગાડીને સ્ત્રીને પૂજનીય ગણાવવાની વાતો કરી ગયાં, પણ એ જમાનામાં ભારતીય સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હતું, એ આપણે જાણીએ છીએ. જેનું શોષણ કરવું હોય તેનાં વખાણ કરવાં, એને માથે ચડાવવા એ જૂની ટ્રિક છે. સામ્યવાદીઓએ એ જ કર્યું. કામગારોને એમના હક્ક મળવા જોઈએ, મજદૂરોનો ઉદ્ધાર થવો જોઈએ, વર્કર્સની હાલત સુધરવી જોઈએ એવી નારાબાજી કરીને રશિયા અને ચીનમાં છેવટે તો સામંતશાહી જ વધી. વર્કર્સના લીડરોએ જ પૈસા બનાવ્યા, બંગલા બનાવ્યા અને રખાતો રાખી. કામદારો બિચારા ત્યાંના ત્યાં રહ્યા. ભૂખમરો ઘટયો નહીં, પણ કામદાર નેતાઓનાં શાહી નિવાસસ્થાનોમાં મિજબાનીઓ અને રંગરેલિયા થતી રહી.
ભારતમાં પણ તમે કોઈનેય પૂછો તો કહેશે કે હા, કોઈ પણ સમાજમાં દરેક સ્તરે સ્ત્રીનું એક યા બીજા પ્રકારે શોષણ થતું રહે છે, સ્ત્રીએ પોતાના હક્ક માટે લડવું પડે છે. ઇઝ ઇટ સો?" જરા તપાસીએ.
અંગતપણે મને સ્ત્રીઓ માટે આદર છે. સ્ત્રી જ શું કામ પુરુષો માટે, બાળકો માટે, આ પૃથ્વીની તમામ જીવસૃષ્ટિ માટે આદર છે જેમાં કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ, વાઘ, સિંહ, વાંદરાં બધાં જ આવી ગયાં. વૃક્ષો અને માછલીઓનો પણ સમાવેશ થઈ ગયો. મને ક્યારેય સ્ત્રીને સિંગલ આઉટ કરીને, એમના માટે આદર-ઇજ્જત દર્શાવીને, હું કેટલો મોડર્ન-ઉદારમતવાદી છું એવો દેખાડો કરવાનું ગમ્યું નથી.
સ્ત્રીઓએ ખરેખર જો પુરુષો પર આધિપત્ય જમાવવું હોય, પુરુષોને કાબૂમાં રાખવા હોય તો એમણે ઇન્ટરનેશનલ પુરુષ ડેની ઉજવણી શરૂ કરવી જોઈએ. કામ આસાન થઈ જશે જોજો. સ્ત્રીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપવાની વાતો કરીએ છીએ આપણે. ભલા, પુરુષોને પણ ક્યાં એકસમાન તકો મળતી હોય છે. બોસની આગળ લટુડાંપટુડાં કરતો તમારો જુનિયર ઓછી ટેલેન્ટ ધરાવતો હોવા છતાં ભવિષ્યમાં તમારાથી આગળ નીકળી જ જવાનો છે. આમાં સમાન હક્ક માટેની લડત તમને કામ આવવાની જ નથી, પણ તમારા જેવી જ પોસ્ટ ધરાવતી સ્ત્રીકર્મચારી કરતાં તમે જેન્યુઇનલી વધુ કામ કરતા હશો, નિયમિત હાજરી આપતા હશો અને પ્રતિભા પણ તમારામાં વધારે હશે અને પ્રમોશન તમને મળશે, પેલાં બહેનને નહીં ત્યારે મહિલાવાદી સંસ્થાઓ બૂમાબૂમ કરી મૂકશેઃ જુઓ, પેલાં બહેનને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. કરો ધરણાં.
સમાજમાં સ્ત્રી માટે સહાનુભૂતિ દેખાડવાનો રિવાજ છે. સ્ત્રીને તમે ઊંચા પેડેસ્ટલ પર બેસાડો તો પુરુષ તરીકે તમારી ઇજ્જત વધે. માતાની સહનશીલતાનાં ગુણગાન કવિઓ ગાયા કરશેઃ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...' તો શું બાપનું સ્થાન રિપ્લેસેબલ છે? જનનીની જોડ નહીં જડે, તો શું બાપની જોડ મળી જવાની છે? એ તો કેટલું ખરાબ કહેવાય. તમારું તો ઠીક, એમાં જનનીનું કેવું લાગે. માતાને માથે ચડાવતું સાહિત્ય ખૂબ લખાયું. પિતાનો આદર કરતું સાહિત્ય એની સરખામણીએ દસ ટકા પણ નથી. આજકાલ ફેસબુક અને વોટ્સએપ પર વળી દીકરીનાં ગુણગાન ગાતાં ચાંપલાં અને સ્ટુપિડ જેવાં ઢોંગાડાં ફિલોસોફિકલ વાક્યો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. દીકરીઓ નકામી છે એવું કોઈ નથી કહેતું, પણ દીકરાઓય કામના છે અને વધારે કામના છે, પણ આપણી જીભે તો જે અપવાદરૂપ છે એવા નપાવટ દીકરાઓના કિસ્સા જ આવવાના. બાકી, તમે પણ સમજો ને પેલા ફેસબુકિયા ફિલોસોફર્સ પણ સમજે છે કે દીકરી પરણીને એનું સાસરું સાચવશે કે જિંદગીભર પિતાની સેવા કર્યા કરશે? સેવા, જો ખરેખર કોઈ કરશે તો તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો જ કરશે. તમારા દાદાના ઘડપણમાં પણ કંઈ તમારી ફોઈઓ દોડી દોડીને સેવા કરવા નહોતી આવી જતી, તમારા બાપા ઉજાગરા કરતા હતા, ખર્ચા કરતા હતા.
બળાત્કાર, ઘરેલુ હિંસા અને દહેજ. આ ત્રણેયને લગતાં ભારતીય કાયદાઓ ભયંકર છે. સુપ્રીમ કોર્ટ કહી કહીને થાકી ગઈ કે પોલીસે આ કાયદાઓનો ભંગ થયો છે એવી ફરિયાદ નોંધીને તરત આરોપીઓની ધરપકડ કરવાની નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જ અરેસ્ટ કરવાની, પણ આ ત્રણેય કાયદાઓનો ઘોર દુરુપયોગ થાય છે અને થતો રહેવાનો છે. મારા કહેવાથી અટકવાનો નથી, મોદીના કહેવાથી પણ નહીં અટકે, કારણ કે આ કાયદાઓ થકી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા પુરુષો બીજા પુરુષોને વિક્ટિમાઇઝ્ડ કરી શકે છે. બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા માટે સ્ત્રી માટે સુંવાળી લાગણી રાખતા પુરુષો એને ઉશ્કેરે છે, એને જેની સાથે શારીરિક સંબંધો હોય એના પર ઈર્ષાભર્યું વેર વાળવા. ડોમેસ્ટિક વાયોલન્સ માટે પતિ વિરુદ્ધની ચડામણી સ્ત્રીના પિતા, ભાઈઓ, બનેવીઓ કે મિત્રો ઉશ્કેેરે છે. દહેજની ફરિયાદ વેવાઈ પક્ષને પાંસરા કરવાના આશયથી સસરાઓ-સાળાઓ જમાઈ વિરુદ્ધ દાખલ કરાવે છે અને જમાઈના આખા કુટુંબને સાગમટે જેલમાં ધકેલી દે છે.
સમાજના દરેક સ્તરે ક્યાંક ને ક્યાંક અન્યાય બધાને જ થતો હોય છે, સ્ત્રીઓને અને પુરુષોને પણ. કુટુંબમાં પણ અન્યાય ક્યારેક ને ક્યારેક તો કોઈકને થવાનો જ, ક્યારેક સ્ત્રીને તો ક્યારેક પુરુષને, પણ સ્ત્રીનું ઉપરાણું તમે લેશો તો મહાન લાગશો. નહીં લો અને પુરુષનો પક્ષ ખેંચશો તો મારા જેવા ભૂંડા લાગશો. ભૂંડા શબ્દ પરથી ભૂંડ, સૂવર, સ્વાઇન, પિગ યાદ આવ્યું. તમને તો ખબર છે કે સ્ત્રીઓ માટે પોતાના વિચારો કોઈ ઢાંકપિછોડો કર્યા વિના જે પ્રગટ કરી દે એને અંગ્રેજીમાં શું કહેવાય છેઃ મેલ શોવિનિસ્ટ પિગ, એમસીપી. વાહ, સ્ત્રી માટે જે શોવિનિસ્ટ હોય, સ્ત્રીસૌજન્ય દાખવતો હોય એ પુરુષ આદરપાત્ર અને પુરુષસૌજન્ય પ્રગટ કરનારો પિગ! દુનિયામાં ખરો અન્યાય તો પુરુષોને થાય છે. કાળી મજૂરી કરીને બે પૈસા ઘરે લાવે અને એની સ્ત્રી એમાંથી દાણાપાણી ખરીદીને સંતાનોને રાંધીને ખવડાવે તો જમાડયું કોણે?
માએ. બાળક માટે મા બજારમાંથી પાછા આવતાં ચોકલેટ લઈ આવે તો ચોકલેટ કોણ લાવ્યું? મા. રમકડું કોણે અપાવ્યું? મમ્મીએ, સ્કૂલમાં જવાના પોકેટમની કોણે આપ્યા? મમ્મીએ, બાપનું આમાં કોઈ જ કોન્ટ્રિબ્યુશન નથી? કમાવા કોણ ગયું હતું? પણ મમ્મીઓ બહુ જ સરલ રીતે, અત્યંત સૂક્ષ્મ રીતે બાળકોને જતાવતી રહે છે કે તમને જે કંઈ સુખસગવડો મળે છે, તમારી જે કંઈ જરૂરિયાતો પૂરી થાય છે તે માટે કારણ તે જ છે. કદાચ એટલે જ આ સંતાનો મોટાં થયા પછી મમ્મા-મમ્માનું રટણ કરતાં રહે છે, બાપ તો સાલો હરામખોર અને રાક્ષસ હતો અને વઢયા કરતો, માર્યા કરતો, એવું માનતાં રહે છે.
ઇક્વાલિટી કંઈ માગવાથી કે કોઈના આપવાથી નથી મળી જતી. તમારી અંદર જે કંઈ છે તેને જતનપૂર્વક ઉછેરવાથી, એને ખાતર-પાણી આપીને વધારવાથી આવે છે. હું અંબાણી-અદાણીનો સમોવડિયો કેમ નથી, અમારા વચ્ચે સમાનતા કેમ નથી, મને પણ સમાન હક્ક આપો એવું પાટિયું લઈને કોઈ પુરુષ ધરણાં પર બેસી જશે તો હાસ્યાસ્પદ લાગશે. ૮મી માર્ચે નીકળતાં સરઘસો એટલાં જ હાસ્યાસ્પદ હોય છે.
મારી પૂજનીય માતાઓ, લાડકી બહેનો અને બહેનપણીઓ, તમારે ઊડવું હોય તો પાંખો તો છે જ તમારી પાસે. પછી આકાશ ઉછીનું શું કામ માગો છો?
પાન બનાર્સવાલા
સ્ત્રીઓ એકબીજાના ચોટલા ખેંચવાનું, એકમેકની ઈર્ષા કરવાનું અને પરસ્પરને ધિક્કારવાનું બંધ કરી દે એ પછી જ રિઅલ વુમન એમ્પાવરમેન્ટની શરૂઆત થશે.
- અજ્ઞાાત


No comments:

Post a Comment