ભુજ : અડધો માર્ચ મહિનો વીતી ગયો
છતાં કચ્છના અનેક એવા સરકારી વિભાગો છે જ્યાં કર્મચારી કે અધિકારીઓને પગાર
ચૂકવાયો નથી એ હકીકત છે. વિકાસકામો માટે ફાળવાતી ગ્રાન્ટ લાંબા સમયથી
અટકેલી પડી હોય તેવા તો હેવાલ મળી રહ્યા છે, પરંતુ દર મહિને નિયમિત ચૂકવાતા
પગારમાં વિલંબ થતાં અનેક સરકારી બાબુઓ ચિંતિત બન્યા હોવાના હેવાલ મળી
રહ્યા છે. પગાર નહીં થવાના કે ગ્રાન્ટ અટકી હોવાના કારણો આપતા અત્યંત
વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે ખુદ ગુજરાત સરકાર છેલ્લા થોડા દિવસોથી
નાણાંભીડ અનુભવી રહી છે. આમ તો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગારમાં વિલંબ થઈ
રહ્યો છે અને વર્ષ 2015ની શરૂઆત થતાં જ નાણાં આવતા બંધ થઈ ગયા હોવાનું
જાણવા મળ્યું છે. સરકાર સાથે ગ્રાન્ટ બાબતે મોટાભાગે નિયમિત સંપર્ક સાધતાં
એક ઉચ્ચ અધિકારી પાસેથી મળેલી વિગતો પ્રમાણે સરકાર છેલ્લા 6-7 મહિનાથી
આર્થિક સંકડામણ અનુભવે છે. કયા કારણોસર ગ્રાન્ટ અટકતી હોવાના સવાલ સામે
સૂત્રો કહે છે કે છેલ્લા 10 મહિનાથી ભંડોળના ભાવ ઘટી રહ્યા હોવાથી અન્ય
રાજ્યો કરતાં ગુજરાતને પેટ્રોલના વેરાની મોટી આવક હોય છે, જે અચાનક ઘટી ગઈ
છે. દસેક મહિનામાં પ્રતિ લિટરે રૂા. 12થી પણ વધુનો ઘટાડો થયો હોવાથી
સરકારની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ ગયો હોવાથી રાજ્ય સરકાર માટે આર્થિક
કટોકટીના દિવસો સામે આવી ગયા હોય તેવું માનવું છે. હકીકત સાચી હોય કે જે
હોય તે પરંતુ આર્થિક ખેંચ છે તેવી વિગતો બહાર આવી રહી છે. કચ્છની જ વાત
કરીએ તો લેબર ઓફિસ, પોલીસ, વનતંત્ર, ઈજનેરી, પોલિટેકનિક, સિંચાઈ સહિતના 15
જેટલા સરકારી વિભાગોના પગાર થયા નથી અથવા તો વિલંબ થઈ ગયો હોવાનું જાણવા
મળ્યું છે. સરકારી તમામ કચેરીઓને નાણાં તિજોરી વિભાગમાંથી મળતા હોય છે અને
દર મહિને કચ્છનો આંક 284 કરોડને આંબી જાય છે, જેમાં 145 જેટલા વિભાગોનો
સમાવેશ થાય છે, ત્યારે ખુદ તિજોરી કચેરીમાંથી પણ અમુક વિભાગોમાં મોડું
થયાને સમર્થન મળ્યું હતું. કાર્યવાહક તિજોરી અધિકારી વી. એ. પ્રજાપતિએ
કહ્યું કે સરકારે 2014માં બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે દર મહિનાની 23મી
તારીખ સુધીમાં પગારબિલ રજૂ કરી દેવાના હોય છે, જો ત્યાં સુધી બિલ ન આવે તો
પગાર માટે ગાંધીનગરથી મંજૂરી લેવી પડે છે. આવા કિસ્સામાં અમુક વિભાગોના
પગાર મોડા થયાને તેમણે સમર્થન આપ્યું હતું. જો કે, થોડા સમયથી ગ્રાન્ટની
તકલીફ હોવાની વાત તેમણે નકારી હતી નહીં. બીજી એક વાત એ પણ છે કે અગાઉ બિલની
રકમથી વધારે પણ તિજોરી વિભાગ તરફથી નાણાં આપી દેવાતા હતા પરંતુ હવે એક પણ
રૂપિયો વધુ આપવો નહીં અને તમામ વ્યવહાર હવે ઓનલાઈન થઈ ગયા છે. સૂત્રોએ તો
એવી માહિતી આપી કે સરકારને આર્થિક ખેંચ હોવાથી ઓવરડ્રાફ્ટ લેવાની વિચારણા
હતી પરંતુ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દેવું કરવાની ચોખ્ખી ના પાડી દેતાં
ઓવરડ્રાફ્ટ લેવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment