Apr 29, 2015

મુખ્‍યમંત્રી, મંત્રીઓ નબળી શાળાઓ શોધીને પહોંચશેઃ ૧૧ અને ૧૮ જૂને શાળા પ્રવેશોત્‍સવ.

રાજકોટ :ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે જૂન મહિનામાં બે તબક્કે શાળા પ્રવેશોત્‍સવ યોજાનાર છે. દર વર્ષે મંત્રી મંડળના સભ્‍યો, બોર્ડ નિગમના ચેરમેનો, અન્‍ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ઉચ્‍ચ અધિકારીઓ વગેરે રાજ્‍યના તમામ ગામોની શાળાઓમાં પ્રવેશોત્‍સવ પ્રસંગે હાજરી આપે છે. આ વખતે મુખ્‍યમંત્રી સહિતના મંત્રીઓ રાજ્‍યની શૈક્ષણિક રીતે નબળી શાળાઓ શોધીને ત્‍યાં પહોંચશે. જ્‍યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછુ હોય, અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દેવાનુ પ્રમાણ વધુ હોય તેવી પ્રાથમિક શાળાઓની યાદી તૈયાર કરવા વહીવટી તંત્રને સૂચના અપાયેલ છે.
   રાજ્‍યના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ આજે વાતચીતમાં જણાવેલ છે કે જૂન મહિનામાં તા. ૧૧ થી ૧૩ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓમાં અને તા. ૧૮ થી ૨૦ શહેરી વિસ્‍તારની શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. તમામ શાળાઓમાં સરકારના પ્રતિનિધિઓ જશે. આ વખતે મુખ્‍યમંત્રી અને અન્‍ય મંત્રીઓ એકદમ નબળી શાળાઓ શોધી પ્રવેશોત્‍સવ પ્રસંગે ત્‍યાં હાજરી આપશે. શાળા નબળી રહી જવાના કારણો જાણી તેના નિવારણ માટેના પ્રયાસો કરવામા આવશે. રાજ્‍યની તમામ સરકારી અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ સંચાલીત પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત આ વખતે કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્‍યાપકો, આચાર્યો વગેરેને પણ શાળા પ્રવેશોત્‍સવમાં સામેલ કરવામાં આવશે.
   શ્રી ચૂડાસમાએ તા. ૧ મે થી શરૂ થઈ રહેલ રાજ્‍યવ્‍યાપી સ્‍વચ્‍છતા ઝૂંબેશ તેમજ આનંદીબેન પટેલ અને નરેન્‍દ્રભાઈ મોદીની સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનો નિર્દેશ કર્યો હતો.

No comments:

Post a Comment