Apr 27, 2015

અભયારણ્ય...સુલતાનપુર

ઝીલમીલ થતું, ચમકતું પાણી, વૃક્ષો પર આચ્છાદિત નરમ ધુમ્મસની ચાદર, ઊગતો સૂર્ય, ચારે બાજુ કલરવ કરતાં રંગબેરંગી પક્ષીઓ...આ કોઈ વિદેશની ધરતી પર જોવા મળતું દૃશ્ય નથી. દિલ્હીથી થોડે દૂર આવેલી 'સુલતાનપુર-બર્ડ-સેન્ક્ચ્યુરી'માં જોવા મળતું આ દૃશ્ય છે. ફરવા નીકળેલા પ્રવાસી માટે આ અભયારણ્યને જોવા માટે એક દિવસ પૂરતો છે. પક્ષીઓના અભ્યાસુ માટે અહીં હરિયાણા ટૂરિઝમ દ્વારા રહેવા-જમવાની સુવિધા છે. 'સુલતાનપુર નેશનલ પાર્ક' તેમાં વસતા અસંખ્ય પક્ષીઓ માટે સુવિખ્યાત છે. હજારો કિલોમીટર દૂરથી આ પક્ષીઓ અહીં આવે છે.
આ પાર્કમાં પક્ષીઓ આવવાની શરૂઆત સપ્ટેમ્બરમાં થાય છે. મોટા ભાગના પક્ષીઓ નવેમ્બર સુધીમાં આવી જાય છે. આ પક્ષીઓ સાઈબીરિયા, મધ્ય-એશિયા અને યુરોપથી અહીં આવે છે. આ દેશોમાં પુષ્કળ બરફ હોવાને કારણે આ પક્ષીઓ ભારત આવે છે અને માર્ચ-એપ્રિલ સુધી અહીં રહે છે. ઉનાળા અને ચોમાસામાં અહીં સ્થાનિક પક્ષીઓ હોય છે. દર વર્ષે અહીં સેંકડો પોઈન્ટેડ-સ્ટોર્ક્સ અને ઇંગ્રેપ્સ ઇંડાં મૂકવા અને બચ્ચાં ઉછેરવા આવે છે. સારસ પક્ષીઓ પણ તેમાં હોય છે. સુલતાનપુર અભયારણ્યમાં અઢીસો પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે જેમાંના દોઢસો પ્રકાર સ્થાનિક છે. અહીંના દક્ષિણ તરફ જતાં પક્ષીઓ પણ આ અભયારણ્યમાં થોડો સમય રોકાય છે.
સુલતાનપુરના સરોવર પર સેંકડો વર્ષોથી અસંખ્ય પક્ષીઓ આવતાં રહ્યા છે, પરંતુ છેક ૧૯૬૯માં આ સ્થળના
 મહત્ત્વને સરકાર સમજી હતી. ઈ.સ. ૧૯૭૧માં ૧.૨૧ ચોરસ કિલોમીટરના આ જંગલને અભયારણ્યનું બહુમાન મળ્યું. આસપાસની જગ્યાને તેમાં સમાવીને આ વિસ્તારને ૧.૩૨ કિલોમીટર સુધી વિસ્તારવામાં આવ્યો. આ જગ્યાએ વરસાદ ઓછો હોવાથી ગુડગાંવના પાણી પુરવઠામાંથી શિયાળા દરમિયાન પાણી પહોંચાડવામાં આવે છે. વર્ષોથી આ અભયારણ્યમાં ઘણાં ફેરફાર અને સુધારા થતાં રહ્યા છે. સરોવરમાંથી માટી ખોદી કાઢીને પક્ષીઓ માટે ખાસ ટેકરા બનાવવામાં આવ્યા છે જેથી તેઓ તેના પર તેમ જ વૃક્ષો પર પોતાના બચ્ચાં ઉછેરી શકે. દર વર્ષે માછલીના ઇંડાં ઉમેરીને પક્ષીઓ માટે ખોરાકની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. પશુ-પક્ષીઓને ભટકી જતા રોકવા માટે દીવાલ બનાવવામાં આવી છે. પક્ષીઓના અભ્યાસુઓની સગવડ માટે સરોવરની આસપાસ ૩ કિલોમીટરની પગથી બનાવવામાં આવી છે. દૂર સુધી જોવા માટે વોચ-ટાવર્સ બનાવવામાં આવ્યા છે. પાર્કનું પોતાનું એક 'એજ્યુકેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન સેન્ટર' છે જેમાં પક્ષીઓ વિશે પૂરી જાણકારી આપતી સામગ્રી છે. ત્યાં આ વિશેની મફત પુસ્તિકાઓ પણ મળે છે. અહીં આપણા જાણીતા પક્ષીવિદ્ ડો. સલિમની યાદમાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જ્યાં ડો.સલિમે લીધેલા ફોટોગ્રાફ્સ, લખાણો વગેરે જોવા મળે છે. શિયાળા દરમિયાન અહીં ધુમ્મસ છવાયેલું રહેતું હોવાથી આખો વિસ્તાર ફેરી-લેન્ડ જેવો લાગે છે. આછી સફેદીના વાદળોમાં બતકો કાળા ગોળા જેવા લાગે છે. જાણે કે કાળા ગોળા પારાના પ્રવાહી પર તરી રહ્યા હોય! સૂર્ય પણ જાણે પ્રકાશવા માટે મથીને થાકી ગયો હોય તેમ ધીમેધીમે અલોપ થતો જાય છે! ઠંડીનો ચમકારો પ્રવાસીઓને પોતાના રૂમો પર જવાની ફરજ પાડે છે. દૂરદૂર ટોળે વળેલા વિવિધ પક્ષીઓ પડછાયા જેવા લાગે છે. આ અભયારણ્યમાં થોડાં થોડાં અંતરે પેઈન્ટેડ સ્ટોર્ક્સ, જાંબલી હેરોન્સ, સ્પૂનબિલ્સ, ડાર્ટર્સ વગેરેના ફોટા અને ચિત્રો જોવા મળે છે. સારસ-ક્રેન્સના યુગલ પોતાની વફાદારી માટે જાણીતા છે. આપણા દેશમાં તો તેઓ માટેની અનેક દંતકથાઓ પ્રચલિત છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી નજીકનું એરપોર્ટ 'ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ' સુલતાનપુર અભયારણ્યથી ૩૫ કિલોમીટરના અંતરે છે.
સુલતાનપુર હરિયાણા રાજ્યના ગુડગાંવ જિલ્લામાં આવ્યું છે. તે દિલ્હીથી ૫૦ કિ.મી. અને ગુડગાંવથી ૧૫ કિ.મી. દૂર છે. આ સ્થળ ગુડગાંવ-ફારૂખનગર રોડ પર આવ્યું છે.

No comments:

Post a Comment