Sep 27, 2014

UNમાં PM : પાકિસ્તાન આતંકવાદ છોડે, પછી જ વાતચીત



ન્યૂ યોર્ક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ જાતના સ્પષ્ટ એજન્ડા વગર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા માટે અમેરિકા પહોંચી ગયા છે અને યુનાઇટેડ નેશન્સમાં તેમના આ ભાષણ પર આખી દુનિયાની નજર છે. નોંધનીય છે મોદી યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં ભાષણ આપવાના છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે મોદી પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયી બે વખત યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં ભાષણ આપી ચૂક્યા છે. અટલ બિહારી બાજપેયીએ પહેલી વખત 1977માં  જનતા પાર્ટીના વિદેશપ્રધાન તરીકે યુએનમાં હાજરી આપી હતી ત્યારે અને બીજી વખત તેઓ વડાપ્રધાન હતા ત્યારે હિન્દીમાં જ વકતવ્ય આપવાનું પસંદ કર્યું હતું. તેઓએ યુએનના મહાસચિવ બાન કી મુનને મળીને પોતાની આ મુલાકાતની શરૂઆત કરી હતી.

ગુરુ અટલ બિહારી બાજપેયીની જેમ જ હવે નરેન્દ્ર મોદી પણ યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં વકતવ્ય આપવાના છે અને તેમના આ વક્તવ્યને સાંભળવા માટે બહાર લોકોના ટોળેટોળાં જમા થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં નવાઝ શરીફે કાશ્મીરનો વિવાદાસ્પદ મુદ્દો છેડ્યા પછી મોદી આજે તેમની સ્પિચમાં કેવું વલણ અપનાવશે એની પર બધાની નજર છે. જાણકારો કહે છે કે મોદીએ આ મામલામાં ભારે વ્યુહાત્મક વલણ અપનાવ્યું છે અને તેઓ આ મામલા વિશે વાત કરીને એને થોડું પણ મહત્વ આપવા નથી માગતા જેના કારણે કદાચ તેઓ આજના યુએના વક્તવ્યમાં કાશ્મીર મુદ્દા વિશે કોઈ પણ વાત નહીં કરી અને જો કરશે તો એવા અંદાજથી કરશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત નહીં પણ પાકિસ્તાન ભીંસમાં મુકાઈ જશે.

નોંધનીય છે કે હાલમાં સંયુક્ત રાષ્ટ્રની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ત્યાં વિવાદાસ્પદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને પછી નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતે સચિવ સ્તરની મંત્રણા રદ કરીને પેન્ડિંગ રહેલા મુદ્દાઓના સમાધાન માટેની વધુ એક તક ગુમાવી દીધી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'કાશ્મીરના મૂળ મુદ્દાની અવગણના ન કરી શકાય. પાકિસ્તાન વાત કરીને આ સમસ્યાના ઉકેલના હેતુથી કામ કરવા તૈયાર છે પણ ભારત સહકાર નથી આપતું. હકીકતમાં જમ્મુ કાશ્મીરના લોકોને સ્વ નિર્ણયનો અધિકાર અપાવવાના અમારા સમર્થન અને ભલામણ કાશ્મીર વિવાદ સાથે અમે પણ જોડાયેલા હોવાથી અમારી ઐતિહાસિક કટિબદ્ધતા અને જવાબદારી છે. હકીકતમાં છ દસકા પહેલાથી સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો છે. જમ્મુ કાશ્મીરના લોકો આજે પણ એ વચન અમલમાં મુકાય એ માટે રાહ જોઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીરીઓ સાથે ભારે ક્રુરતા આચરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉકેલાવો જોઈએ. આ આંતરરાષ્ટ્રીય સમૂહની જવાબદારી છે.'
મોદીની સ્પિચની હાઇલાઇટ્સ...

  • નવી ચેતના અને નવા વિશ્વાસ સાથે UNના નવનિર્માણની શરૂઆત કરીએ.
  • આવતા વર્ષે UN 70 વર્ષનું થઈ જશે એટલે એ વિશે વિચારણા કરવાની જરૂર છે.
  • ચાલો સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ.
  • યોગ ભારતીય સંસ્કૃતિનો અને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો છે.
  • પ્રકૃતિ પ્રત્યે આદરભાવ રાખવાની નવી ઉર્જા મળશે અને ખર્ચો પણ નહીં થાય.
  • આપણે જીવનશૈલીને બદલવાની જરૂર છે.
  • ભારત આ માટે તૈયાર છે.
  • ટેકનોલોજીના કારણે ઘણી વસ્તુઓ શક્ય બની છે માત્ર પ્રતિબદ્ધ થવાની જરૂર છે.
  • ઇમાનદારીથી જવાબદારી નિભાવીને પડકારો ઝીલવા જોઈએ.
  • જોકે આપણે એવી અનેક વસ્તુઓમાં અટવાયેલા છીએ જેના કારણે એના પર ધ્યાન નથી અપાતું.
  • વૈશ્વિક સ્તરે પણ આ મુદ્દાઓ જ ચર્ચામાં રહેવા જોઈએ.
  • ભારતમાં વિકાસના એજન્ડા આ મુદ્દાઓ પર જ કેન્દ્રિત છે.
  • આજે 2.5 બિલિયન લોકોને સેનિટેશન તેમજ 1.5 બિલિયન લોકોને વીજળી તેમજ 1.2 બિલિયન લોકોને પીવાનું પાણી નથી મળતું.
  • બીજાને ક્ષતિ પહોંચાડવાની નીતિ ન હોવી જોઈએ અને એકબીજાના હિતોની ચિંતા કરવી જોઈએ.
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર નીતિઓનું યોગ્ય સમન્વય થાય એ જરૂરી છે.
  • જો આજે ફેસબુક અને ટ્વિટરના પ્રસારની ગતિ વિશે વિચારશો તો તમારે વિશ્વાસ કરવો પડશે કે વિકાસ અને સશક્તિકરણ પણ આ ગતિથી વિકાસ સાધી શકે છે.
  • આજે દુનિયામાં અરબો લોકો ગરીબી અને અભાવ વચ્ચે જીવન જીવી રહ્યા છે
  • ત્રાસવાદ દૂર કરવા દેશો વચ્ચે ભાગીદારી શક્ય
  • ભારત પોતાના ભવિષ્ય માટે સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્યની આશા રાખે છે.
  • 21માં સદીમાં વિશ્વ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે આપણે સમયની સાથે પરિવર્તન સાધીએ એ જરૂરી છે.
  • 21મી સદીમાં 20મી સદીની નીતિઓ યોગ્ય પરિણામ ન આપી શકે.
  • સંયુક્ત રાષ્ટ્રને વધારે લોકભાગીદારીવાળો બને એ અનિવાર્ય છે.
  • કોઈ એક દેશ કે સમુહ બધાને કંટ્રોલ ન કરી શકે
  • અત્યારે સમયની માંગ પ્રમાણે જાતને બદલાવવાની જરૂર છે
  • નિરાશાવાદી માહોલને હટાવી દેવાની જરૂર છે
  • એક તરફ આપણે નીતિઓ સંયુક્ત રીતે જોડાયેલી હોવાની વાત કરીએ છીએ અને બીજી તરફ સ્વાર્થી વલણ અપનાવીએ છીએ.
  • આ મંચ કઈ રીતે વધારે સમર્થ અને વિશ્વસનીય બને એ વિચારવાની જરૂર છે.
  • આપણે વિચારવાની જરૂર છે UN જેવું સારું પ્લેટફોર્મ હોવા શું કામ અલગઅલગ સંઘોની સ્થાપના કરવાની જરૂર છે?
  • આંતરરાષ્ટ્રીય એકતાના જે આધાર પર સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ છે એની આજે જેટલી જરૂર છે એટલી ક્યારેય નહોતી.
  • પહેલાં સમુદ્રનો જે વિસ્તાર આપણને જોડતો હતો એ જ હવે ટકરવાનો મુદ્દો બની ગયો છે
  • આજે આખી દુનિયામાં આતંકવાદ ફેલાઈ ગયો છે.
  • આતંકવાદ નવાનવા નામ અને સ્વરૂપથી પ્રગટ થઈ રહ્યો છે અને એનાથી કોઈપણ દેશ બચી નથી શક્યો.
  • અમારા પોતાના વિસ્તારમાં આતંકવાદના અસ્થિરતાપ્રેરક ખતરાને અમે લાંબા સમયથી વેઠી રહ્યા છે.
  • યુરોપમાં વિભાજનનો ડર છે.
  • એશિયા પેસિફિક વિસ્તારમાં સમુદ્ર વિસ્તારની સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે.
  • વિશ્વમાં ભારે ફેરફાર ચાલી રહ્યા છે.
  • અમે વિકાસશીલ દેશ છીએ પણ જેને જરૂર છે એની સાથે અમે સંશાધનની વહેંચણી કરવા તૈયાર છીએ.
  • પાકિસ્તાન અને અમારે કાશ્મીરમં પૂરપીડિતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
  •  હું ઇચ્છું છું કે પાકિસ્તાન પણ આવી વાતચીત માટે માહોલ ઉભો કરવામાં મદદ કરે.
  •  પાકિસ્તાન સાથે  હું આતંકના ઓછાયા વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં દ્વિપક્ષીય વાતચીત કરવા માગું છું.
  •  પાકિસ્તાન સહિત બધા પાડોશી સાથે સહયોગ વધારવા માગુ છું
  •  અમારું ભવિષ્ય પાડોશીઓ સાથે જોડાયેલું છે.
  •  શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને જ કામ કરવું પડશે.
  •  ભૂતાન, નેપાળ તેમજ આફ્રિકામાં લોકશાહીનો વ્યાપ વધી રહ્યો છે.
  •  મને ભારતીયોની અપેક્ષાનો અહેસાસ છે.
  •  સમગ્ર દુનિયામાં લોકતંત્રનું સામ્રાજય છે
  • ભારત એવો દેશ છે જે માત્ર પોતાના માટે નહીં પણ આખા વિશ્વમાં ન્યાય, પ્રગતિ અને સમૃદ્ધિ સ્થપાય એ માટે પ્રયત્નશીલ છે.
  • પ્રત્યેક રાષ્ટ્ર પ્રત્યે વિશ્વની અવધારણા તે દેશની સંસ્કૃતિકને આધારે નક્કી થતી હોય છે
  • ભારત એવો દેશ છે જ્યાં પ્રકૃતિની સાથે સંવાદ થાય છે, સંઘર્ષ નહીં.
  • દરેક દેશની પોતાની મૌલિક ફિલોસોફી હોય છે અને દેશ એની પ્રેરણાથી આગળ વધે છે.
  • ભારતનો ચિરંતન વિવેક સમગ્ર દુનિયાને એક કુટુંબ તરીકે જુએ છે.
  • દેશ ભારે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે.
  • ભારત એવો દેશ છે જ્યાં માનવવસતીનો છઠ્ઠો હિસ્સો રહે છે
  • ભારતના વડાપ્રધાન તરીકે તમને સંબોધન કરવાનું અત્યંત સન્માનીય છે

Big Thank You : મોદીએ ન્યૂ યોર્કમાં ઉતરી કહ્યું, સ્પર્શી ગયો મને તમારો પ્રેમBig Thank You : મોદીએ ન્યૂ યોર્કમાં ઉતરી કહ્યું, સ્પર્શી ગયો મને તમારો પ્રેમ



(ન્યૂયોર્ક પેલેસ હોટેલની બહાર મોદીની ઝલક માટે ઊમટેલા પ્રશંસકોને મળ્યા મોદી)
 ન્યૂયોર્કઃ મોદીએ અમેરિકાના આગમન ટાણે મળેલા ભવ્ય સ્વાગત માટે હોટેલ આગળ હાજર હજારોનો લોકોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, આવા ભવ્ય સ્વાગત માટે big thank you. હું ભાવવિભોર થયો છું. આગળના પ્રવાસ માતે આશાવાદી છું. મોદીના આગમન ટાણે હાજર ભારતીય સમુદાયના લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. લોકો મોદીને જોવા બે કલાકથી હોટેલ આગળ ઉભા હતા.
વડાપ્રધાન મોદીની પાંચ દિવસીય અમેરિકા વિઝિટનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 26મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કના અંદાજે 12.30 કલાકે મોદીનું વિમાન એર ઇન્ડિયા વન ન્યૂયોર્કના એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું. એરપોર્ટથી નીકળીને મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલ તરફ રવાના થયા, જ્યાં હોટેલની બહાર મોટી સંખ્યામાં પ્રશંસકો મોદીને આવકારવા માટે રાહ જોતાં હતા. હોટેલમાં પ્રવેશ્યા બાદ મોદી સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કરી ચાલતા બહાર આવ્યા ને પોતાના પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા તથા નમસ્કાર કર્યા. બાદમાં હોટેલ ખાતે બે કલાકના ટૂંકા વિરામ બાદ તેઓ ન્યૂયોર્કના મેયર બિલ જે બ્લાસિયોને મળ્યા હતા.
ન્યૂયોર્કના મેયર સાથે મોદીએ અર્બન સ્પેસ, પબ્લિક હાઉસિંગ, મેગાસિટી પોલિસિંગ, મોટા શહેરો સામેના ખતરા અને ક્રાઉડ મેનેજમેન્ટ જેવા વિષયો પર વાતચીત કરી હતી. તે સિવાય મોદી અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વડા પ્રોફેસર ડો. હેરોલ્ડ વારમસને પણ મળ્યા હતા. ડો. વારમસ સાથે પીએમએ કેન્સર નાબૂદી અંગે ચર્ચા કરી.