Jan 15, 2015

મોદીના કડકડાટ અંગ્રેજી ભાષણનું ખૂલ્યું રહસ્ય, આ ટેકનોલોજીએ રાખી લાજ!



-વાયબ્રન્ટમાં મોદીએ કર્યો સ્પીચ ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ: પ્રોમ્પ્ટરના ઉપયોગ બદલ ઓબામાની ઉડી ચૂકી છે મજાક

અમદાવાદ: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સાતમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજીમાં લાંબૂલચક ભાષણ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોદીની સ્પીચ અગિયાર પેઈજ લાંબી હતી. મોદીની સ્પીચ સાંભળનારા કે જોનારાઓને પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે અને લાગ્યું કે મોદી મોઢે બોલે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન સમારંભમાં અંગ્રેજીમાં જે સ્પીચ આપી તે તેઓ મોઢે નહોતા બોલ્યા પરંતુ જોઈને વાંચી હતી.
આ પણ વાંચો: Hi tech મોદી: દાંડી કૂટિરમાં પહેરી ખાસ ડિવાઈસ! જાણો, શું છે?
ટેકનોસેવી નરેન્દ્ર મોદીએ આ માટે એક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. એ અત્યાધુનિક ટેકનોલોજી એટલે સ્પિચ ટેલિપ્રોમ્પ્ટર. આ એ ટેકનોલોજી છે જેનો ઉપયોગ ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ કરે છે. ઓબામા ભાષણ આપવા માટે પારદર્શક ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે એ વાત જ્યારે બહાર આવી ત્યારે તેમની ખુબ હાંસી ઉડી હતી અને તેમના પ્રોમ્પ્ટિંગ પર અનેક કાર્ટૂન્સ પણ બન્યા હતા.
મોદીએ શું કરામત કરી?
મોદીની કરામત સમજવા ઉપરની તસવીરને ધ્યાનથી જૂઓ. મોદીના પોડિયમની આસપાસ ટ્રાઈપોડ પર યોગ્ય એંગલે સેટ થયેલા બે ગ્લાસ દેખાશે. એ ડિવાઈસના નીચેના ભાગમાં મોદી આપવાની સ્પીચ ઉંધા અક્ષરોમાં ડિસ્પ્લે થતી હતી. યોગ્ય એંગલે સેટ કર્યુ હોવાથી એ સ્પીચનુ સીધુ પ્રતિબિંબ આ કાચમાં મોદીને દેખાતુ હતું. યોગ્ય પ્રકાશ સંયોજનના કારણે કેમેરામાં કે દૂર બેઠેલા શ્રોતાઓની નજરે આ ગ્લાસ ચડતા નથી. મોદી આ ગ્લાસમાં જોઈને સ્પીચ વાંચતા હોય તો પણ લોકોને લાગે કે તેઓ તેમની સામે જોઈને બોલી રહ્યા છે. આ છે સમગ્ર કરામત. બંન્ને તસવીરો જોવાથી મોદીએ કઈ રીતે સ્પીચ વાંચી હશે તેનો અંદાજ આવી જશે.
કેવી રીતે કામ કરે છે ટેલિપ્રોમ્પટર?
ટેલીપ્રોમ્પટરને ઓટોક્યુ પણ કહે છે. ટેલીપ્રોમ્પટર ઈલેક્ટ્રોનિક્સ ડીવાઈસ છે. ટેલીપ્રોમ્પટરની મદદથી વ્યક્તિ પ્રવચન કે સ્ક્રીપ્ટ વાંચી શકે છે. તેની નજર સામે ઈલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ટેક્સ્ટ દેખાય છે અને તેની મદદથી તે કોઈને ખબર ન પડે એ રીતે સ્ક્રીપ્ટ કે પ્રવચન વાંચી સંભળાવે છે. ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ ક્યુ કાર્ડનો ઉપયોગ કરવા બરાબર છે. ટેલીપ્રોમ્પટરમાં સામાન્ય રીતે વિડીયો કેમેરાની સામે પણ તેના લેન્સથી થોડેક નીચે સ્ક્રીન હોય છે. સ્ક્રીન પર જે શબ્દો લખાય તે એકદમ સ્વચ્છ કાચ કે ખાસ બનાવાયેલા બીમ સ્પ્લીટરની મદદથી વક્તાની આંખમાં પરાવર્તિત થાય છે. લેન્સની આસપાસનો શ્રાઉડ અને કાચની પાછળની બાજુ લેન્સમાં વધારાના પ્રકાશને પ્રવેશવા નથી દેતા.
ટેલીપ્રોમ્પટરની કમાલ

ટેલીપ્રોમ્પટરની કમાલ એ છે તેની મદદથી વાંચનારે નીચે પડેલા કાગળ પર નજર નાંખવી પડતી નથી અને સીધો કેમેરાના લેન્સમાં નજર નાંખીને બોલી શકે છે. તેના કારણે તે સામે બેઠેલા લોકોની સામે જોઈને બોલી રહ્યો હોય એવું જ લાગે છે. તેના કારણે તેને સાંભળનારા લોકોને એવું લાગે છે કે તે મૌલિક પ્રવચન આપી રહ્યો છે અથવા તો પહેલાંથી તૈયારી કરીને પ્રવચન આખું યાદ કરી લીધું છે. ક્યુ કાર્ડ લેન્સથી દૂર મૂકાય છે તેના કારણે વક્તાએ કેમેરાથી પાછળની તરફ જોવું પડે છે ને તેના કારણે તે સીધો લોકો સામે જોઈને બોલતા હોય એવું લાગતું નથી.